
તિરુવલ્લુર, નવી દિલ્હી, 22 જૂન (હિ.સ.). તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લાના પેરિયાપાલયમ વિસ્તાર નજીક આવેલી એક ખાનગી ઝીંગા પ્રોસેસિંગ (શ્રિમ્પ પ્રોસેસિંગ) ફેક્ટરીમાં એમોનિયા ગેસ ગળતરની દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને પાંચ થયો છે. આરોગ્ય વિભાગે સોમવારે આ અંગે સત્તાવાર પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે સારવાર દરમિયાન વધુ બે શ્રમિકોના મોત થયા છે. જ્યારે અન્ય કેટલાક મજૂરોની હાલત હજુ પણ ગંભીર છે અને વિવિધ હોસ્પિટલોમાં તેમની સારવાર ચાલી રહી છે.
આ દુર્ઘટના રવિવારે સવારે કન્નિકેપેર ગામમાં આવેલી એક ખાનગી સી-ફૂડ નિકાસ કંપનીમાં થઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, કૂલિંગ સિસ્ટમમાં વપરાતા એમોનિયા ગેસની પાઇપલાઇન અથવા સંબંધિત સાધનોમાં ટેકનિકલ ખામી સર્જાવાને કારણે અચાનક ગેસ ગળતર શરૂ થયું હતું. થોડી જ મિનિટોમાં ઝેરી ગેસ ફેક્ટરી પરિસર અને આસપાસના વિસ્તારોમાં ફેલાઈ ગયો હતો, જેના કારણે ત્યાં કામ કરતા ડઝનબંધ શ્રમિકો તેની ઝપેટમાં આવી ગયા હતા.
ઘટના સમયે ફેક્ટરીમાં આશરે 120 મજૂરો કામ કરી રહ્યા હતા. ગેસની અસરથી 60થી વધુ શ્રમિકો પ્રભાવિત થયા હતા. મોટાભાગના શ્રમિકોને શ્વાસ લેવામાં ગંભીર તકલીફ, આંખોમાં તીવ્ર બળતરા, ચક્કર આવવા અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક શ્રમિકો ફેક્ટરી પરિસર અને શ્રમિક આવાસમાં જ બેભાન થઈને ઢળી પડ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કેટલાક લોકોના નાક અને મોંમાંથી લોહી પણ નીકળવા લાગ્યું હતું, જેના કારણે સમગ્ર પરિસરમાં નાસભાગ મચી ગઈ હતી.
દુર્ઘટનાની માહિતી મળતા જ જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, અગ્નિશામક દળ અને તબીબી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અસરગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક એમ્બ્યુલન્સ અને અન્ય વાહનોની મદદથી વિવિધ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં પાંચ શ્રમિકોના મોત થયા છે. જેમાંથી ત્રણ દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં સારવાર હેઠળ હતા, જ્યારે અન્ય બે શ્રમિકોના મોત સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે અન્ય કેટલાક દર્દીઓની સ્થિતિ હજુ પણ નાજુક છે, તેથી મૃત્યુઆંક વધવાની આશંકા નકારી શકાય તેમ નથી.
તબીબોનું કહેવું છે કે, શરીરમાં મોટી માત્રામાં એમોનિયા ગેસ પ્રવેશવાને કારણે ઘણા શ્રમિકોના ફેફસાં અને શ્વસનતંત્રને ગંભીર નુકસાન પહોંચ્યું છે. ઘણા દર્દીઓને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે, જ્યારે ગંભીર રીતે અસરગ્રસ્ત લોકોની સારવાર ઇન્ટેન્સિવ કેર યુનિટ (આઈસીયુ)માં કરવામાં આવી રહી છે. કેટલાક દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પણ આપવામાં આવી રહ્યો છે.
આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, ચેન્નાઈ અને તિરુવલ્લુરની વિવિધ હોસ્પિટલોમાં ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. વેલ્સ ખાનગી હોસ્પિટલમાં 29 શ્રમિકો દાખલ છે, જ્યારે અન્ય એક ખાનગી હોસ્પિટલમાં 18 લોકોની સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત ચેન્નાઈની સ્ટેનલી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં 10 શ્રમિકોને વિશેષ તબીબી સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.
દુર્ઘટના બાદ જિલ્લા વહીવટી તંત્ર, તમિલનાડુ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ફેક્ટરી સુરક્ષા વિભાગ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. ગેસ ગળતરનું વાસ્તવિક કારણ શું હતું અને ફેક્ટરીમાં સુરક્ષાના ધોરણોનું કયા સ્તર સુધી પાલન કરવામાં આવી રહ્યું હતું તે શોધવામાં તપાસ એજન્સીઓ લાગેલી છે.
પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તપાસનું મુખ્ય કેન્દ્ર ફેક્ટરીની ગેસ સુરક્ષા પ્રણાલી, ચેતવણી એલાર્મ, કટોકટીના સમયે બહાર નીકળવાની વ્યવસ્થા અને સુરક્ષા સાધનોની કાર્યક્ષમતા છે. અધિકારીઓનું કહેવું છે કે જો તપાસમાં બેદરકારી અથવા સુરક્ષા નિયમોના ઉલ્લંઘનની પુષ્ટિ થશે તો ફેક્ટરી મેનેજમેન્ટ અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
જિલ્લા વહીવટી તંત્રે સંકેત આપ્યા છે કે, જો ગંભીર ગેરરીતિઓ જણાશે તો ઝીંગા પ્રોસેસિંગ ફેક્ટરીને સીલ કરવાની કાર્યવાહી પણ થઈ શકે છે. આ સાથે જ અસરગ્રસ્ત શ્રમિકો અને તેમના પરિવારોને તમામ સંભવિત સહાય પૂરી પાડવા સૂચના આપવામાં આવી છે.
આ દરમિયાન, રાજ્ય સરકારે ઈજાગ્રસ્તોની સારવાર પર સતત દેખરેખ રાખવા અને પીડિત પરિવારોને જરૂરી સહાય પૂરી પાડવા સૂચનાઓ જારી કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / ડૉ. વારા પ્રસાદ રાવ પીવી / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ