
પોરબંદર, 22 જૂન (હિ.સ.) રાણાવાવમાં નોંધાયેલા લેન્ડ ગ્રેબિંગના ગુનામાં છેલ્લા અઢી માસથી ફરાર ચાલી રહેલા આરોપીને પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત જમીન પચાવી પાડવા પ્રતિબંધક કાયદા હેઠળ નોંધાયેલા આ ગુનામાં આરોપી લાંબા સમયથી પોલીસ પકડથી દૂર રહ્યો હતો, પરંતુ LCBની સઘન શોધખોળ બાદ આખરે તે કાયદાના સકંજામાં આવ્યો છે. રાણાવાવ પોલીસ સ્ટેશનમાં 05 એપ્રિલ 2026ના રોજ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. ફરિયાદ મુજબ આરોપી ખીમા પોલાભાઈ ગરચર રબારીએ રાણાવાવ શહેરમાં આવેલી અંદાજે રૂ.20 લાખ કિંમતની બે જમીનો પર ગેરકાયદેસર કબજો જમાવી જમીન પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો.
આ પ્રકરણમાં ફરિયાદીની માલિકીની જમીન પર અનધિકૃત કબજો કરી એકબીજાને મદદગારી કરવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
રાજ્યભરમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. તે અંતર્ગત LCB દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી હતી.
દરમિયાન LCBના અધિકારીઓને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાણાવાવના ખાનિયા કૂવા વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી. જ્યાંથી લેન્ડ ગ્રેબિંગ કેસમાં ફરાર આરોપી ખીમા પોલાભાઈ ગરચર રબારી રાણાવાવને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીને વધુ કાર્યવાહી માટે રાણાવાવ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
આ સફળ કામગીરી LCB I/C PI આર.કે. કાંબરીયાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. કામગીરીમાં ASI બટુક વિંઝુડા, રાજેન્દ્ર જોષી, ઉદય વરુ, રણજીતસિંહ દયાતર, ગોવિંદ મકવાણા, મુકેશ માવદિયા, HC સલીમ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હિમાંશુ મક્કા, મહત્વની ભૂમિકા ભજવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya