
જામનગર, 22 જૂન (હિ.સ.) જામનગર જિલ્લામાં આવતીકાલથી ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થશે. રાજ્ય સરકારના શિક્ષણલક્ષી અભિયાન અંતર્ગત યોજાતા આ મહોત્સવનો મુખ્ય હેતુ દરેક બાળકને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો તેમજ બાળકીઓના શિક્ષણને વધુ પ્રોત્સાહન આપવાનો છે. આ કાર્યક્રમ અંતર્ગત બાળવાટિકા તથા પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓને શાળામાં દાખલ કરવા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવશે.
આવતીકાલ 23 જુનથી 25 જુન દરમિયાન ત્રણ દિવસ સુધી રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાની અધ્યક્ષતામાં જામનગર જિલ્લાની વિવિધ શાળાઓમાં સવારે 8 વાગ્યાથી શાળા પ્રવેશોત્સવ અંતર્ગત કાર્યક્રમોની ઉજવણી થશે. 23 જુનના રોજ સવારે 8 કલાકે જામનગર તાલુકાના હડમતીયા ક્લસ્ટરના પસાયા તાલુકા શાળા, બેરાજા પ્રાથમિક શાળા, સપડા પ્રાથમિક શાળા તથા સપડા હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમો યોજાશે. આ દરમિયાન નવા પ્રવેશપાત્ર બાળકોનું શાળામાં સ્વાગત કરવામાં આવશે.24 જુનના રોજ નારણપર ક્લસ્ટર હેઠળ નારણપર તાલુકા શાળા, ગણેશનગર પ્રા.શાળા, આણદાબાવા વેદાંત સંસ્કૃત પાઠશાળા, દડિયા પ્રાથમિક શાળા, એચ.એમ.નંદા માધ્યમિક શાળા, નાધુના પ્રાથમિક શાળા, નવા નાધુના પ્રાથમિક શાળા, નવસર્જન ઉતરબુનિયાદી વિધાલય નાધુના ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્વ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવશે. આ ઉપરાંત 25 જુનના રોજ લાખાબાવળ ક્લસ્ટરમાં લાખાબાવળ ક્લસ્ટર હેઠળ કુમાર શાળા, લાખાબાવળ કન્યા શાળા, લાખાબાવળ વાડી શાળા, ચાંપાબેરાજા પ્રાથમિક શાળા, સરમત પ્રાથમિક શાળા, સરમત વાડી શાળા, રાવલસર વાડી તાલુકા શાળા, રાવલસર પ્રાથમિક શાળા, નવસર્જન ઉત્તરબુનિયાદી વિધાલય ખાતે આરોગ્યમંત્રીની અધ્યક્ષતામાં કાર્યક્રમો યોજવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt