
પોરબંદર, 22 જૂન (હિ.સ.) : રાણાવાવના મંગલમ હોસ્પિટલ પાસે જાહેર માર્ગ પર બેફામ ગતિએ દોડતી સ્વિફ્ટ કારની ટક્કરે બાઈક સવાર ત્રણ યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચ્યાની ઘટના સામે આવી છે.અકસ્માત સજ્યો બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે.
ફરિયાદ મુજબ આરોપી મોઈનખાન નાસીરખાન પઠાણ (ઉ.વ. 31), રહે. જૂની લાઈટ હાઉસ, રાઠોડ ફળિયું, પોરબંદર, પોતાની સફેદ રંગની સ્વિફ્ટ કાર (GJ-03-EL-8864) બેદરકારી અને પુરઝડપે ચલાવી રહ્યો હતો. તે દરમિયાન સામે આવી રહેલી બાઈક (GJ-25-AG-2478) ને ટક્કર મારી હતી. અકસ્માતમાં બાઈક ચાલકને માથા, નાક અને હોઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમજ હોઠમાં ટાંકા લેવા પડ્યા હતા. ઉપરાંત બંને પગમાં છોલાણ અને જમણા હાથના કાંડા ભાગે ગંભીર ઈજા થઈ હતી.બાઈક પાછળ બેઠેલા રાજન નામના યુવકને માથા, ખભા અને બંને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે અન્ય સાથી ઝુબેરને પણ માથા અને બંને પગ સહિત શરીરના વિવિધ ભાગોમાં ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ કારચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya