છોટાઉદેપુરમાં એમજીવીસીએલની ઘોર બેદરકારી: ઓડ ગામે જીવતો વીજ વાયર તૂટી પડતાં 7 વર્ષના માસૂમ બાળકનું કરૂણ મોત
- ગ્રામજનોમાં ભારે આક્રોશ છોટાઉદેપુર, 22 જૂન (હિ.સ.) : છોટાઉદેપુર જિલ્લાના ઓડ ગામેથી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL)ની ગંભીર લાપરવાહી સામે આવી છે, જેમાં એક સાત વર્ષના નિર્દોષ બાળકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. ઓડ ગામે રહેતા વિનુભાઈ રાઠવાનો સ
એમજીવીસીએલ


- ગ્રામજનોમાં ભારે આક્રોશ

છોટાઉદેપુર, 22 જૂન (હિ.સ.) : છોટાઉદેપુર જિલ્લાના ઓડ ગામેથી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL)ની ગંભીર લાપરવાહી સામે આવી છે, જેમાં એક સાત વર્ષના નિર્દોષ બાળકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. ઓડ ગામે રહેતા વિનુભાઈ રાઠવાનો સાત વર્ષીય પુત્ર સાહિલ રાઠવા ઘર નજીક રમી રહ્યો હતો, ત્યારે 24 કલાક ચાલુ રહેતી જ્યોતિગ્રામ લાઇનનો હાઈવોલ્ટેજ જીવતો વીજ વાયર અચાનક તૂટીને નીચે પડ્યો હતો. આ ખુલ્લા અને ચાલુ લાઇનના વાયરના સંપર્કમાં આવી જતાં માસૂમ સાહિલને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો અને તેનું ઘટનાસ્થળે જ અત્યંત કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. વારંવારની રજૂઆત છતાં તંત્રની આળસસ્થાનિક ગ્રામજનોમાં તંત્ર સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.

ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આ જર્જરિત અને જોખમી બનેલી વીજ લાઇનને રિપેર કરવા અથવા બદલવા માટે MGVCL કચેરી ખાતે અગાઉ અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. આમ છતાં સરકારી બાબુઓ દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી ન હતી. તંત્રની આ ઘોર આળસ અને ગુનાહિત બેદરકારી આજે એક હસતા-રમતા પરિવાર માટે કાળ સાબિત થઈ છે અને પરિવારે પોતાનો વ્હાલસોયો દીકરો ગુમાવ્યો છે.ઘટના બાદ પણ તંત્ર સંવેદનહીનઆટલી મોટી આઘાતજનક દુર્ઘટના ઘટી હોવા છતાં MGVCLના જવાબદાર ઉચ્ચ અધિકારીઓ લાંબા સમય સુધી ઘટનાસ્થળે પહોંચ્યા ન હતા. આશ્ચર્યની વાત એ છે કે અકસ્માત બાદ પણ આ જોખમી વીજ લાઇન ચાલુ જ હતી, જેના કારણે ગ્રામજનો અને પરિવારનો આક્રોશ બેવડાયો હતો.ઝોઝ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈબનાવની જાણ થતાં જ ઝોઝ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

પોલીસે માસૂમ સાહિલના મૃતદેહનો કબ્જો મેળવી તેને પોસ્ટમોર્ટમ (PM) અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે અને અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. સમગ્ર પંથકમાં આ ઘટનાને પગલે શોકનું મોજું ફરી વળ્યું છે અને સ્થાનિકો જવાબદાર બેદરકાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande