
જામનગર, 22 જૂન (હિ.સ.) : જામનગર શહેરના રઝાનગર વિસ્તારમાં મોહર્રમની વાઇઝ શરીફના “દાસ્તાને કરબલા” કાર્યક્રમ માટે સ્ટેજ પર “તિરંગા” થીમનો શણગાર કરવામાં આવ્યો હતો. આ વાઇઝ દરમિયાન રાષ્ટ્રપ્રેમનો રંગ છવાયો હતો.
ઇસ્લામિક કેલેન્ડરના પ્રથમ માસ મોહર્રમમાં દર વર્ષે 'હઝરત ઇમામ હુસૈન'ની યાદમાં કરબલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. તેમણે કરબલાના મેદાનમાં સત્ય અને ન્યાય માટે પોતાનો જીવ ન્યોછાવર કર્યો હતો. આ પર્વ નિમિત્તે વિશ્વભરના મુસ્લિમો દ્વારા તકરીર, ન્યાઝ અને તાજીયા કાઢી માતમ મનાવવામાં આવે છે.
જામનગર શહેર ઉપરાંત જિલ્લામાં પણ ઠેર ઠેર તકરીર અને આમ ન્યાઝ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. રઝાનગર વિસ્તારમાં “દાસ્તાને કરબલા” વાઇઝના કાર્યક્રમમાં આલિમ 'કારી ઇકબાલ મુરાદાબાદી સાહેબ' દ્વારા તકરીર ફરમાવવામાં આવી રહી છે, જેને સાંભળવા માટે મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો દરરોજ આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt