

ભરૂચ, 22 જૂન (હિ.સ.) ઔદ્યોગિક નગરી અંકલેશ્વર વિસ્તારમાં વસતા શ્રમિકો અને સ્થાનિક રહીશોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરવાના ભગીરથ ઉદ્દેશ્ય સાથે એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જીઆઈડીસી ખાતે અંદાજે 162 લાખના માતબર ખર્ચે 900 ચોરસ મીટર જેટલા વિશાળ વિસ્તારમાં નવું અર્બન પ્રાઈમરી હેલ્થ સેન્ટર આકાર પામવા જઈ રહ્યું છે, જેનું વિધિવત ભૂમિપૂજન આજે સંપન્ન થયું હતું. આ નવનિર્મિત હેલ્થ સેન્ટર આગામી એક વર્ષના ટૂંકા ગાળામાં તૈયાર કરી દેવાનું આયોજન છે.
આ અર્બન પ્રાઈમરી હેલ્થ સેન્ટર શરૂ થવાથી સ્થાનિક સ્તરે જ લોકોને ગુણવત્તાસભર પ્રાથમિક આરોગ્ય સંભાળ મળી રહેશે. આ કેન્દ્રમાં ઓપીડી , આઈપીડી, આધુનિક લેબોરેટરી સેવાઓ, બાળકો માટે રસીકરણ, સગર્ભા માતાઓ માટે એએનસી તપાસ તેમજ બિન-ચેપી રોગો એટલે કે એનસીડી સ્ક્રીનિંગ સહિતની તમામ પાયાની તબીબી સેવાઓ એક જ છત નીચે વિનામૂલ્યે પૂરી પાડવાનો મુખ્ય હેતુ રાખવામાં આવ્યો છે.
ભવિષ્યમાં જીઆઈડીસી વિસ્તાર અને તેની આસપાસના રહેણાંક વિસ્તારોમાં વસતા તેમજ અન્ય રાજ્યોમાંથી અહીં રોજગારી અર્થે આવેલા અંદાજે 70 થી 80 હજાર જેટલા સ્થળાંતરિત કામદારો અને સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે આ કેન્દ્ર ખરા અર્થમાં એક મોટું ‘આરોગ્યધામ’ સાબિત થશે. ઉદ્યોગોના આ ગઢ સમાન વિસ્તારમાં આવા અદ્યતન સ્વાસ્થ્ય કેન્દ્રના નિર્માણથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને હવે સામાન્ય સારવાર માટે દૂર સુધી લંબાવું નહીં પડે.
આ પ્રસંગે ભાજપા અંકલેશ્વર જીઆઈડીસી પ્રમુખ જય તેરૈયા, મહામંત્રી વિજય પટેલ, એઆઈએ પૂર્વ પ્રમુખ જશુ ચૌધરી, હિંમત સેલડીયા ,પૂર્વ નોટીફાઇડ ચેરમેન અશોક ચોવટીયા,પ્રવિણ તેરૈયા સહિત ‘એઆઈએ’ ના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભરૂચ એડીએચઓ ડૉ. સુશાંત કઠોરવાલા અને ઈએમઓ ડૉ. નિલેશ પટેલ સહિતના તબીબો અને આરોગ્ય વિભાગના અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં આ ખાતમુહૂર્ત વિધિ પૂર્ણ કરવામાં આવી હતી.
2019 માં નોટીફાઇડ ઓથોરીટી બોર્ડ દ્વારા સરકારને અર્બન પ્રાઈમરી હેલ્થ સેન્ટર બનાવવા માટે રજૂઆત કરી હતી.આટલા મોટા રહેણાંક વિસ્તારમાં સરકારી દવાખાનું નહી હોવાથી જગ્યાની ફાળવણી કરી મંજૂર કરવામાં દરખાસ્ત કરવામાં આવી હતી.ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ,પૂર્વ એઆઈએ કમિટી તેમજ અગ્રણીઓની સતત માંગણીને લાગણી અનુભવી આજે 5 વર્ષ પછી મંજૂર થઈ આવતા તેનું સર્વેની હાજરીમાં ખાતમુહૂર્ત કર્યું હતું.આ આરોગ્ય કેન્દ્ર નહીં પરંતુ આરોગ્યધામ તરીકે પ્રસ્થાપિત થશે . જીઆઈડીસી અંકલેશ્વર નોટીફાઇડ બીજેપી પ્રમુખ જય તેરૈયા
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ