રેલીયા ગામની સીમમાં બે બચ્ચા સાથે દીપડી દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ.
ભાવનગર, 22 જૂન (હિ.સ.) ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રેલીયા ગામની સીમ વિસ્તારમાં એક દીપડી તેના બે બચ્ચા સાથે જોવા મળતા ગ્રામજનોમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ગામની આસપાસના ખેતર વિસ્તારમાં દીપડીની અવરજવર જોવા મળતી હોવા
દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ


ભાવનગર, 22 જૂન (હિ.સ.) ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રેલીયા ગામની સીમ વિસ્તારમાં એક દીપડી તેના બે બચ્ચા સાથે જોવા મળતા ગ્રામજનોમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ગામની આસપાસના ખેતર વિસ્તારમાં દીપડીની અવરજવર જોવા મળતી હોવાની ચર્ચા હતી, પરંતુ હવે દીપડી તેના બે બચ્ચા સાથે દેખાતા લોકોમાં વધુ સાવચેતી જોવા મળી રહી છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ દીપડી વહેલી સવારે તેમજ સાંજના સમયે ખેતરો અને સીમ વિસ્તારમાં ફરતી જોવા મળી હતી. આ દૃશ્યો કેટલાક ગ્રામજનોએ દૂરથી નિહાળ્યા હતા. ઘટનાની જાણ ગામમાં ફેલાતા ખેડૂત વર્ગ તેમજ પશુપાલકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને ખેતરમાં કામ કરવા જતા લોકો અને પશુઓને ચરાવવા લઈ જતા માલધારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે.

ગ્રામજનોએ જણાવ્યું હતું કે દીપડી તેના બચ્ચા સાથે હોવાથી વધુ સતર્ક રહેવાની જરૂર છે, કારણ કે આવા સમયે જંગલી પ્રાણી પોતાના બચ્ચાની સુરક્ષા માટે આક્રમક બની શકે છે. તેથી લોકોને એકલા ખેતરોમાં ન જવા તેમજ બાળકોને સીમ વિસ્તારમાં ન મોકલવા અપીલ કરવામાં આવી રહી છે.

ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી છે. ગ્રામજનોએ વન વિભાગને તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા અને દીપડી તથા તેના બચ્ચાઓને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવાની માંગ કરી છે. સાથે જ સીમ વિસ્તારમાં વન વિભાગ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવે અને લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande