

અમરેલી/અમદાવાદ, 22 જૂન (હિ.સ.) : ગુજરાત દેશના ટોચના કપાસ ઉત્પાદક રાજ્ય છે. દેશના 25% કપાસનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે. દર વર્ષે ગુજરાતમાં 70 થી 75 લાખ ગાંસડીઓનું ઉત્પાદન થાય છે.
આ વર્ષે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ખેડૂતો માટે સોના ભાવની જે ખેતીમાં જેની સફેદ સોનું કહેવાય છે તે કપાસના હબ ગણાતા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં શ્વેત સોના એટલે કે કપાસના ભાવમાં જોરદાર ઉછાળો નોંધાયો છે.
વૈશ્વિક બજારની અસ્થિરતા અને સ્થાનિક સ્તરે સીસીઆઈ (CCI) ની ખરીદી બાદ સર્જાયેલી અછતને કારણે કપાસનો ભાવ પ્રતિ 20 કિલોએ 2036 રૂપિયા સુધી પહોંચી ગયો છે, જેને પગલે ખેડૂત આલમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
અમરેલી જિલ્લામાં કપાસના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ઊંચો ભાવ પ્રતિ 20 કિલોએ 2036 રૂપિયા સુધી બોલાતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. કપાસની આવકમાં ઘટાડો અને બજારમાં વધતી માંગના કારણે ભાવમાં તેજી જોવા મળી રહી હોવાનું વેપારીઓ અને માર્કેટિંગ યાર્ડના સૂત્રો જણાવી રહ્યા છે.
સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી કપાસના ભાવમાં સતત સુધારો થઈ રહ્યો છે. હાલ યાર્ડમાં કપાસનો નીચો ભાવ 1700થી 1800 રૂપિયા પ્રતિ 20 કિલો જ્યારે સારો ગુણવત્તાવાળો કપાસ 2036 સુધી વેચાઈ રહ્યો છે. બજારમાં કપાસની ઉપલબ્ધતા ઓછી થવાને કારણે વેપારીઓ વચ્ચે ખરીદી માટે સ્પર્ધા વધી રહી છે, જેના પરિણામે ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે.
કપાસને આંતરરાષ્ટ્રીય પાક તરીકે ઓળખવામાં આવે છે અને તેના ભાવ પર વૈશ્વિક બજારની સ્થિતિની સીધી અસર જોવા મળે છે. હાલમાં વિશ્વના કેટલાક વિસ્તારોમાં ચાલી રહેલી અસ્થિર પરિસ્થિતિ, આંતરરાષ્ટ્રીય વેપારની અસર અને કપાસના જથ્થાની અછત જેવા પરિબળો ભાવ વધારાનું મુખ્ય કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે. વૈશ્વિક સ્તરે કપાસની માંગ યથાવત રહેતા સ્થાનિક બજારોમાં પણ તેની સકારાત્મક અસર જોવા મળી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ