
- સુરત-વલસાડમાં પાણી ભરાયા,વાહનો બંધ પડ્યાં
સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાની સમસ્યા
અમદાવાદ,22 જૂન (હિ.સ.) જૂનનું ત્રીજું અઠવાડિયું પૂરું થવા આવ્યું છે, તેમ છતાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હજુ રફ્તાર પકડી શક્યું નથી. આ કારણે દેશના અનેક વિસ્તારોમાં વાદળછાયું આકાશ અને તોફાન વચ્ચે પણ ગરમીનો પ્રકોપ યથાવત્ છે, જ્યારે 23 જૂન પછી હવામાનમાં મોટો ફેરફાર આવવાની સંભાવના છે.રાજ્યમાં પ્રિ-મોનસુન એક્ટિવિટીને કારણે છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જોકે, હવામાન વિભાગે ગુજરાતમાં વિધિવત ચોમાસું ક્યારથી શરૂ થશે તેની કોઈ સત્તાવાર આગાહી કરી નથી.
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ ન થતાં ખેડૂતોની વાવણી ખોરંભાઈ છે. જોકે, આજે વહેલી સવારથી સુરત શહેર અને તેના આસપાસના વિસ્તારો, વલસાડ, નવસારીના ઇટાળવા-જમાલપોર, તાપીના વ્યારા-વાલોડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતાં સ્થાનિકોને ગરમીથી રાહત મળી છે.
સવારના 6 થી 12 વાગ્યા સુધીમાં રાજ્યના 29 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 1.77 ઈંચ વરસાદ ખાબક્યો છે. સુરત શહેરમાં પણ ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. લિંબાયતનું ગરનાળું બેટમાં ફેરવાઈ જતાં સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં લોકો જીવના જોખમે આ ભરાયેલા પાણી થી પસાર થવા માટે મજબૂર બન્યા છે, જે તંત્રની બેદરકારી દર્શાવે છે.
વલસાડમાં પણ ધોધમાર વરસાદથી શહેરમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. વલસાડ અને મુઘરાવાળીને જોડતો મુખ્ય માર્ગ પરના મુઘરાવાળી રેલવે અંડરપાસમાં પાણી ભરાતા વિદ્યાર્થી સહિત નાગરિકો અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ, 23 જૂન આસપાસ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઓડિશાના વધુ ભાગોમાં આગળ વધવા માટે સાનુકૂળ સ્થિતિ છે, જે બાદ ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ