ફિલ્મ નિર્માણમાં કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ જવાબદારીપૂર્વક થવો જોઈએ: જીષ્ણુ દેવ વર્મા
મુંબઈ, નવી દિલ્હી, 22 જૂન (હિ.સ.). મહારાષ્ટ્રના રાજ્યપાલ જીષ્ણુ દેવ વર્માએ સોમવારે મુંબઈમાં જણાવ્યું હતું કે, કૃત્રિમ બુદ્ધિમત્તા (એઆઈ) સર્જનાત્મક ક્ષેત્ર માટે અસીમ સંભાવનાઓ લઈને આવી છે, પરંતુ તેનો ઉપયોગ અત્યંત જવાબદારીપૂર્વક અને વિવેકપૂર્ણ રીતે થવ
આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (મિફ-2026) નો શુભારંભ કરતા રાજ્યપાલ


મુંબઈ, નવી દિલ્હી, 22 જૂન (હિ.સ.). મહારાષ્ટ્રના રાજ્યપાલ જીષ્ણુ દેવ વર્માએ સોમવારે મુંબઈમાં જણાવ્યું હતું કે, કૃત્રિમ બુદ્ધિમત્તા (એઆઈ) સર્જનાત્મક ક્ષેત્ર માટે અસીમ સંભાવનાઓ લઈને આવી છે, પરંતુ તેનો ઉપયોગ અત્યંત જવાબદારીપૂર્વક અને વિવેકપૂર્ણ રીતે થવો જોઈએ. તેમણે ઉમેર્યું કે એઆઈ એક પરિવર્તનકારી શક્તિ છે, પરંતુ તેના ઉપયોગ દરમિયાન ફિલ્મ નિર્માતાઓ અને સર્જકોના બૌદ્ધિક સંપદા અધિકારોનું રક્ષણ સુનિશ્ચિત કરવું આવશ્યક છે.

રાજ્યપાલની ઉપસ્થિતિમાં આજે ટૂંકી વાર્તા, દસ્તાવેજી ચિત્ર (ડોક્યુમેન્ટરી) અને એનિમેશન ફિલ્મોના 19મા દ્વિવાર્ષિક મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (મિફ-2026) નો મુંબઈમાં પ્રારંભ થયો હતો. આ પ્રસંગે સમારોહને સંબોધિત કરતા રાજ્યપાલે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં મિફ દસ્તાવેજી, ટૂંકી વાર્તા અને એનિમેશન ફિલ્મો માટે એક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય મહોત્સવ તરીકે ઉભરી આવ્યો છે. તેમણે યાદ અપાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષે મુંબઈમાં વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (વેવ્ઝ) નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પરિષદે સર્જનાત્મક અર્થતંત્ર અને ડિજિટલ સ્ટોરીટેલિંગના ક્ષેત્રમાં ભારતને વૈશ્વિક કેન્દ્ર બનાવવાની દેશની આકાંક્ષાને નવી શક્તિ આપી છે.

રાજ્યપાલે ખુશી વ્યક્ત કરી હતી કે, આ વર્ષે મહોત્સવમાં વિશ્વના 46 દેશોમાંથી 1,459 ફિલ્મોની એન્ટ્રીઓ પ્રાપ્ત થઈ હતી. તેમણે જણાવ્યું કે મહોત્સવમાં 42 થી વધુ ભારતીય ભાષાઓ અને 30 આંતરરાષ્ટ્રીય ભાષાઓની ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવી હતી, જે વિશ્વની વિવિધ સંસ્કૃતિઓ અને માનવીય અનુભવોનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે ઉમેર્યું કે આ ફિલ્મો સમાજની વાસ્તવિકતાઓને સામે લાવે છે, ઇતિહાસને સાચવે છે, સ્થાપિત માન્યતાઓને પડકારે છે અને સામાજિક પરિવર્તનને પ્રેરિત કરે છે. દસ્તાવેજી ફિલ્મો સમાજના વિવિધ વર્ગોને અભિવ્યક્તિનું મંચ પૂરું પાડે છે અને ભવિષ્યને અસર કરતા મહત્વપૂર્ણ મુદ્દાઓ તરફ ધ્યાન દોરે છે.

ભારત પાસે વિશ્વની સૌથી મોટી યુવા વસ્તી હોવાનો ઉલ્લેખ કરતા રાજ્યપાલે ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોના યુવા ફિલ્મ નિર્માતાઓને તેમના રોજિંદા જીવન, પરંપરાઓ અને સંઘર્ષો પર આધારિત વાર્તાઓ રજૂ કરવા પ્રોત્સાહિત કરવા હાકલ કરી હતી. તેમણે મહિલા ફિલ્મ નિર્માતાઓની વધુ ભાગીદારી પર પણ ભાર મૂક્યો હતો જેથી તેમનો વિશિષ્ટ દ્રષ્ટિકોણ અને અનુભવો ભારતીય વાર્તા કહેવાની પરંપરાને વધુ સમૃદ્ધ બનાવી શકે. તેમણે જણાવ્યું કે તકનીકી પ્રગતિએ ફિલ્મ નિર્માણને વધુ લોકશાહી અને સુલભ બનાવ્યું છે તેમજ નવી સર્જનાત્મક સંભાવનાઓના દ્વાર ખોલ્યા છે. રાજ્યપાલે મિફ અને રાજ્યની યુનિવર્સિટીઓના મીડિયા અને મનોરંજન વિભાગો વચ્ચે વધુ સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, આ પ્રકારનો સહયોગ વિદ્યાર્થીઓને વૈશ્વિક સિનેમેટિક પ્રવાહોથી પરિચિત કરાવશે અને ભવિષ્યની સર્જનાત્મક પ્રતિભાઓને વિકસાવવામાં મદદરૂપ થશે.

આ પ્રસંગે રાજ્યપાલે પોલેન્ડની ફિલ્મ ‘સિલ્વર’ ને શ્રેષ્ઠ દસ્તાવેજી ફિલ્મ માટે ગોલ્ડન કોન્ચ એવોર્ડ એનાયત કર્યો હતો. આ ઉપરાંત ઈરાનની ફિલ્મ ‘અંડર ધ સ્નો’ ને આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં શ્રેષ્ઠ ટૂંકી વાર્તા ફિલ્મ માટે સિલ્વર કોન્ચ એવોર્ડ અને જર્મનીની ફિલ્મ ‘માયાઝ સોંગ’ ને શ્રેષ્ઠ એનિમેશન ફિલ્મ માટે સિલ્વર કોન્ચ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જાણીતા ફિલ્મ દિગ્દર્શક આશુતોષ ગોવારીકરે આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં શ્રેષ્ઠ સાઉન્ડ, શ્રેષ્ઠ એડિટિંગ અને શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફીના એવોર્ડ એનાયત કર્યા હતા.

સમારોહમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયના અધિક સચિવ પ્રભાત કુમાર, મંત્રાલયના અધિક સચિવ અને નાણાકીય સલાહકાર દીપક નારાયણ, નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર પ્રકાશ મગદૂમ, મરાઠી ભાષા વિભાગના સચિવ ડૉ. કિરણ કુલકર્ણી અને રાજ્યપાલના સહ સચિવ એસ. રામમૂર્તિ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / રાજબહાદુર યાદવ / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande