

- વર્ષ 2025-26 દરમિયાન 7216 તાલીમોમાં 64510 ખેડૂતોને, પ્રાકૃતિક કૃષિની તાલીમ અપાઈ : જિલ્લામાં 123 પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મ વિકસાવાયા
રાજપીપળા, 22 જૂન (હિ.સ.) આધુનિક ખેતી પદ્ધતિઓએ કૃષિ ઉત્પાદનમાં વધારો કર્યો છે, પરંતુ તેની સાથે જમીનની ફળદ્રુપતા ઘટવી, ભૂગર્ભ જળનું પ્રદૂષણ, ઉત્પાદન ખર્ચમાં વધારો અને માનવ આરોગ્ય પર પ્રતિકૂળ અસરો જેવી અનેક સમસ્યાઓ પણ ઉભી થઈ છે. આવી સ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ માત્ર એક વૈકલ્પિક ખેતી પદ્ધતિ નહીં, પરંતુ કૃષિ, પર્યાવરણ અને માનવ જીવનને સંતુલિત બનાવતી એક જીવનદ્રષ્ટિ તરીકે ઉભરી આવી છે.
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને રસાયણિક ખેતીમાંથી મુક્ત કરી ટકાઉ, પર્યાવરણમૈત્રી અને ઓછી ખર્ચાળ ખેતી તરફ દોરવા માટે પ્રાકૃતિક કૃષિને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
આ અભિયાનને નર્મદા જિલ્લામાં પણ વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. આજે જિલ્લો પ્રાકૃતિક કૃષિના ક્ષેત્રે રાજ્યના અગ્રણી જિલ્લાઓમાં સ્થાન મેળવી રહ્યો છે.
પ્રાકૃતિક કૃષિનો મૂળ આધાર એ છે કે, ખેતી માટે જરૂરી તમામ ઘટકો પ્રકૃતિમાંથી જ પ્રાપ્ત થાય. તેમાં રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ કે કૃત્રિમ વૃદ્ધિવર્ધકોનો ઉપયોગ કરવામાં આવતો નથી.
દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી તૈયાર થતું જીવામૃત, બીજામૃત અને ઘન જીવામૃત જમીનની જીવંતતા જાળવી રાખે છે અને ખેતીને સ્વાવલંબી બનાવે છે.
આ પદ્ધતિ માત્ર ઉત્પાદન મેળવવાનો માર્ગ નથી, પરંતુ જમીન, પાણી, જીવસૃષ્ટિ અને માનવ આરોગ્યના સંરક્ષણ માટેનું એક સમગ્ર અભિયાન છે. પ્રાકૃતિક કૃષિ ખેડૂતોને બહારથી મોંઘા ઇનપુટ ખરીદવાની જરૂરિયાત ઘટાડે છે અને ખેતીને વધુ નફાકારક બનાવે છે.
નર્મદા જિલ્લો પ્રાકૃતિક સંપત્તિ, જંગલ વિસ્તાર અને આદિવાસી જીવનશૈલી માટે ઓળખાય છે. અહીંની ભૌગોલિક અને પર્યાવરણીય પરિસ્થિતિ પ્રાકૃતિક કૃષિ માટે અનુકૂળ હોવાથી ખેડૂતો ઝડપથી આ પદ્ધતિ તરફ વળી રહ્યા છે.
જિલ્લામાં અંદાજે 11 હજાર જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે. આ આંકડો માત્ર સંખ્યા નથી, પરંતુ ખેતી પ્રત્યે બદલાતી માનસિકતા અને ટકાઉ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.
વર્ષ 2025-26 દરમિયાન જિલ્લામાં 74 ક્લસ્ટરમાં કુલ 7216 તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 64510 જેટલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. તાલીમો દ્વારા, ખેડૂતોને દેશી ગાય આધારિત ઇનપુટ્સ તૈયાર કરવાની પદ્ધતિ, જમીન સંરક્ષણ, જીવાત નિયંત્રણ અને બજાર વ્યવસ્થાપન અંગે વ્યવહારુ જ્ઞાન આપવામાં આવ્યું છે.
પ્રાકૃતિક કૃષિ અંગે વિશ્વાસ અને સમજણ વધારવા માટે જિલ્લામાં 123 મોડેલ ફાર્મ વિકસાવવામાં આવ્યા છે.
આ ફાર્મ ખેડૂતો માટે જીવંત પ્રયોગશાળા સમાન છે, જ્યાં તેઓ પ્રાકૃતિક ખેતીના પરિણામો જાતે જોઈ શકે છે. મોડેલ ફાર્મ દ્વારા ખેડૂતોને સમજાય છે કે, ઓછી કિંમતમાં પણ ગુણવત્તાસભર ઉત્પાદન મેળવી શકાય છે. આવા પ્રયોગો ખેતીમાં નવીનતા અને આત્મવિશ્વાસ બંને વધારવામાં મદદરૂપ બની રહ્યા છે.
ભારતીય કૃષિ પરંપરામાં દેશી ગાયને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. પ્રાકૃતિક કૃષિમાં ગાય માત્ર પશુ નથી, પરંતુ સમગ્ર ખેતી પ્રણાલીની આધારશિલા છે.
નર્મદા જિલ્લામાં 2736 લાભાર્થીઓને દેશી ગાય નિભાવ માટે સહાય આપવામાં આવી છે. આ સહાય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે જરૂરી સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. દેશી ગાય આધારિત ખેતીથી ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે અને જમીનની કુદરતી શક્તિ જળવાઈ રહે છે.
વિશ્વભરમાં વધતા પર્યાવરણીય સંકટ વચ્ચે પ્રાકૃતિક કૃષિ આશાનું કિરણ બની છે.
રસાયણમુક્ત ખેતી જમીનની ફળદ્રુપતા જાળવે છે, પાણીના સ્ત્રોતોને પ્રદૂષિત થવાથી બચાવે છે અને જૈવ વિવિધતાના સંરક્ષણમાં મદદરૂપ બને છે.
મધમાખી, પતંગિયા અને અન્ય મિત્ર જીવાતોનું સંવર્ધન થવાથી કુદરતી પરાગસંચય વધે છે. સાથે જ રસાયણમુક્ત અનાજ, શાકભાજી અને ફળોના સેવનથી માનવ આરોગ્ય પર થતા પ્રતિકૂળ પ્રભાવોમાં ઘટાડો થાય છે.
પ્રાકૃતિક કૃષિ ખેડૂતોને બજારમાં મળતા મોંઘા ખાતર અને દવાઓ પરની નિર્ભરતામાંથી મુક્ત કરે છે. ખેતી ખર્ચ ઘટે છે, નફાકારકતા વધે છે અને ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બને છે.
આજના સમયમાં જ્યારે ટકાઉ વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ વૈશ્વિક ચર્ચાનો વિષય બન્યા છે, ત્યારે નર્મદા જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને એક નવી દિશા દર્શાવી રહ્યા છે.
જિલ્લાના હજારો ખેડૂતો, મોડેલ ફાર્મ, તાલીમ કાર્યક્રમો અને સરકારના સતત પ્રયાસો મળીને પ્રાકૃતિક કૃષિની એક મજબૂત ચળવળનું નિર્માણ કરી રહ્યા છે.
પ્રાકૃતિક કૃષિ માત્ર ખેતીની પદ્ધતિ નથી, પરંતુ ભાવિ પેઢીઓ માટે સ્વસ્થ જમીન, શુદ્ધ પાણી, સુરક્ષિત પર્યાવરણ અને પોષણયુક્ત જીવન સુનિશ્ચિત કરવાનું માધ્યમ છે. નર્મદા જિલ્લો આજે આ હરિત ક્રાંતિનો મજબૂત ભાગીદાર બનીને સમૃદ્ધ ખેડૂત, સ્વસ્થ સમાજ અને સુરક્ષિત પર્યાવરણના સંકલ્પને સાકાર કરવાની દિશામાં સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ