ધારાસભ્ય મુકેશ પટેલના હસ્તે ઓલપાડ તાલુકાની ત્રણ શાળાઓના 250 વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવ્યો
સુરત, 23 જૂન (હિ.સ.) રાજ્યભરમાં શિક્ષણના વ્યાપ અને ગુણવત્તાને વેગ આપવા માટે શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ–કન્યા કેળવણી મહોત્સવ-2026ના પ્રથમ દિવસે ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે ઓલપાડ તાલુકાની ત્રણ શાળામાં ઉપસ્થિત રહી શૈક્ષણિક કીટની ભેટ આપી આંગણવાડી,
Surat


સુરત, 23 જૂન (હિ.સ.) રાજ્યભરમાં શિક્ષણના વ્યાપ અને ગુણવત્તાને વેગ આપવા માટે શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ–કન્યા કેળવણી મહોત્સવ-2026ના પ્રથમ દિવસે ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે ઓલપાડ તાલુકાની ત્રણ શાળામાં ઉપસ્થિત રહી શૈક્ષણિક કીટની ભેટ આપી આંગણવાડી, બાળવાટિકા, ધો.1, ધો.9 અને ધો.11ના કુલ 250 વિદ્યાર્થીઓને શાળાપ્રવેશ કરાવ્યો હતો.

આ પ્રસંગે ધારાસભ્ય મુકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પર વધુ ભાર આપી બાળકોના ભવિષ્યનો પાયો મજબૂત બનાવી રહી છે. આજના ભૂલકાઓ, વિદ્યાર્થીઓ ભાગ્યશાળી છે કે તેમને મુખ્યમંત્રી, મંત્રીમંડળ,ધારાસભ્ય અને ઉચ્ચ અધિકારીઓ ગામે ગામ જઈને વાજતે ગાજતે શાળામાં પ્રવેશ કરાવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શરૂ કરેલી શાળા પ્રવેશોત્સવની પરંપરાને રાજ્ય સરકારે પણ જાળવી રાખી વેગવંતી બનાવી છે. તેમણે વધુમાં વિદ્યાર્થીઓને શિસ્ત, ઉર્જા અને ગંભીરતા સાથે શિક્ષણ મેળવી માતાપિતાના સપના સાકાર કરવા જણાવ્યું હતું. સાથે ગામ, રાજ્ય, દેશની પ્રગતિમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.

આ અવસરે ધારાસભ્યએ વિદ્યાર્થીઓને સ્કુલબેગ, નોટબુક, પાઠ્યપુસ્તકો સહિતની શૈક્ષણિક કીટ આપી આવકાર્યાં હતા. બરબોઘન પ્રાથમિક શાળામાં આંગણવાડીમાં 04, બાલવાટિકામાં 18, ધો.1માં 01, ધો.2થી8માં 04, એસ.એમ.ટી કે.બી.ડી પટેલ સર્વોદય વિદ્યાલય સેગવાચ્છમાં ધો.૯માં 60, ધો.11માં 102, ધો.9 થી12માં 06, મોર હાઈસ્કૂલ મોરમાં ધો.9માં 35 અને બહારની શાળાના 20 મળી કુલ ત્રણ શાળાઓમાં 250 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો

આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય બ્રિજેશ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિજયકુમાર જરગલિયા, બીઆરસી કો.ઓડિનેટર બ્રિજેશ આઈ પટેલ,સામાજિક અગ્રણી કુલદીપ ઠાકોર સહિત શિક્ષકો, વાલીઓ-ગ્રામજનો અને પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande