શાળા-ટ્યુશન ક્લાસોમાં ફાયર સેફ્ટી તપાસ તેજ, સુરતમાં તંત્ર એલર્ટ મોડમાં
સુરત, 24 જૂન (હિ.સ.) લખનઉમાં કોચિંગ સેન્ટરમાં બનેલી દુર્ઘટના અને સુરતની સદભાવના સ્કૂલમાં થયેલા એસી બ્લાસ્ટ બાદ શહેરનું ફાયર વિભાગ ફરી સક્રિય બન્યું છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શહેરની વિવિધ શાળાઓ, કોલેજો અને ટ્યુશન ક્લાસોમાં ફાયર
Surat


સુરત, 24 જૂન (હિ.સ.) લખનઉમાં કોચિંગ સેન્ટરમાં બનેલી દુર્ઘટના અને સુરતની સદભાવના સ્કૂલમાં થયેલા એસી બ્લાસ્ટ બાદ શહેરનું ફાયર વિભાગ ફરી સક્રિય બન્યું છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શહેરની વિવિધ શાળાઓ, કોલેજો અને ટ્યુશન ક્લાસોમાં ફાયર સેફ્ટી વ્યવસ્થાની સઘન ચકાસણી શરૂ કરવામાં આવી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ આગ જેવી કટોકટીની પરિસ્થિતિઓને અટકાવવાનો અને સંસ્થાઓને વધુ સતર્ક બનાવવાનો છે.

ફાયર વિભાગની ટીમો દરેક ફ્લોર અને ક્લાસરૂમમાં જઈને ફાયર સેફ્ટી સાધનોની કાર્યક્ષમતા તપાસી રહી છે. ફાયર એક્સટિંગ્વિશર, એલાર્મ સિસ્ટમ, સ્પ્રિંકલર અને અન્ય સુરક્ષા ઉપકરણો યોગ્ય રીતે કાર્યરત છે કે નહીં તેની ખાતરી કરવામાં આવી રહી છે. સાથે જ સ્ટાફને આ સાધનોના ઉપયોગ અંગે પૂરતી જાણકારી છે કે નહીં તેની પણ ચકાસણી થઈ રહી છે.

ફાયર ઓફિસર દીનુ પટેલના જણાવ્યા મુજબ, હાલ કતારગામ વિસ્તારથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની મોટી સંખ્યા ધરાવતા શિક્ષણ સંસ્થાનોમાં સલામતી સૌથી મહત્વપૂર્ણ મુદ્દો હોવાથી માત્ર તપાસ જ નહીં પરંતુ વિદ્યાર્થીઓને આગથી બચાવ અને ઇમરજન્સી દરમિયાન શું કરવું તેની માર્ગદર્શિકા પણ આપવામાં આવી રહી છે.

તપાસ દરમિયાન જો ફાયર પંપ, જોકી પંપ, રાઈઝર સિસ્ટમ અથવા અન્ય કોઈ સુરક્ષા વ્યવસ્થામાં ખામી જોવા મળશે તો સંસ્થાઓને નોટિસ આપવામાં આવશે. બીજી તરફ, અક્ષરજ્યોતિ હાઈસ્કૂલના આચાર્યએ ફાયર વિભાગની કામગીરીને આવકારતા જણાવ્યું કે આવી જાગૃતિ અને નિયમિત ચેકિંગથી ભવિષ્યમાં મોટી દુર્ઘટનાઓ ટાળી શકાય છે અને વિદ્યાર્થીઓની સલામતી વધુ મજબૂત બની શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande