
સુરત, 24 જૂન (હિ.સ.) તાપી જિલ્લાના વાલોડ તાલુકાની એક આશ્રમ શાળામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધોરણ-9માં અભ્યાસ કરતી 13 વર્ષની વિદ્યાર્થીનીને તેની જ ક્લાસમાં ભણતી અન્ય એક વિદ્યાર્થીનીએ શાળાના બાથરૂમમાં બોલાવી હુમલો કર્યો હતો. મળતી માહિતી મુજબ, આરોપી વિદ્યાર્થીનીએ કોઈ બહાનું બનાવી પીડિતાને ત્રીજા માળે આવેલા બાથરૂમમાં લઈ જઈ અચાનક ગળું દબાવ્યું અને પછી છુપાવી રાખેલા ચપ્પાથી તેના હાથ પર ઘા ઝીંક્યો હતો.
હુમલો એટલો ગંભીર હતો કે પીડિતાના હાથની મુખ્ય ધમનીઓ, ચેતાતંતુઓ અને સ્નાયુઓને નુકસાન પહોંચ્યું હતું. ભારે રક્તસ્ત્રાવ થતા તેને તાત્કાલિક વ્યારાની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડોક્ટરોએ જટિલ સર્જરી કરીને કપાયેલી નસો અને ટેન્ડન્સનું રિપેરિંગ કર્યું હતું.
સારવાર કરનાર તબીબોના જણાવ્યા અનુસાર, ઘા હાડકા સુધી પહોંચ્યો હતો અને હાથમાં લોહીનું પરિભ્રમણ જાળવી રાખવા માટે તાત્કાલિક સર્જરી જરૂરી બની હતી. સર્જરી દરમિયાન લગભગ 20 ટાંકા લેવામાં આવ્યા હતા. હાલ વિદ્યાર્થીનીની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે, જોકે હાથની સંપૂર્ણ કાર્યક્ષમતા પાછી મેળવવા માટે લાંબા સમય સુધી ફિઝિયોથેરાપીની જરૂર પડી શકે છે.
પીડિતાના પરિવારના જણાવ્યા મુજબ, બંને વિદ્યાર્થીનીઓ વચ્ચે કોઈ જૂની અદાવત કે વિવાદ નહોતો અને તેઓ એકબીજાને થોડા સમયથી જ ઓળખતા હતા. બીજી તરફ, ઘટનાની જાણ થતાં વાલોડ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે અને સગીર આરોપી વિદ્યાર્થીનીને કસ્ટડીમાં લીધી છે. પોલીસે હુમલામાં વપરાયેલ ચપ્પુ ક્યાંથી આવ્યું અને ઘટનાનું ચોક્કસ કારણ શું હતું તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે