


પોરબંદર, 23 જૂન (હિ.સ.) પોરબંદર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગને સુભાષનગર રોડ વિસ્તારમાં આગ લાગ્યાનો ઇમરજન્સી કોલ પ્રાપ્ત થયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ખોડિયાર મંદિરની બાજુમાં આવેલી ચમ ફેક્ટરી ખાતે અંદર પડેલા ઇન્સ્યુલેશન મટીરીયલને દૂર કરવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન અચાનક આગ લાગી હતી.
આગ લાગતાં જ ફેક્ટરી પરિસરમાં ધુમાડાના ગોટેગોટા ઉઠ્યા હતા અને આગ વધુ ફેલાય તેવી શક્યતા ઊભી થઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક બે ફાયર ટેન્ડર સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. ફાયર કર્મચારીઓએ સઘન પાણીના મારો અને જરૂરી તકેદારી સાથે કામગીરી હાથ ધરી આગને વધુ ફેલાતી અટકાવી હતી. ટૂંકા સમયમાં આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.
આ આગની ઘટનામાં ફેક્ટરીમાં પડેલું ઇન્સ્યુલેશન મટીરીયલ તથા તેની આસપાસ રહેલો અન્ય સામાન બળીને નુકસાન પામ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. જોકે ફાયર વિભાગની સમયસરની કામગીરીના કારણે આગ નજીકના વિસ્તારોમાં ફેલાઈ નહોતી અને કોઈ જાનહાનિ કે ઇજાની ઘટના નોંધાઈ નથી. સમયસર મળેલી જાણ અને ફાયર ટીમની ઝડપી કામગીરીના કારણે સંભવિત મોટી દુર્ઘટના ટળી હોવાનું પણ જણાવાયું હતું.
પોરબંદર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગે નાગરિકોને આગ જેવી પરિસ્થિતિ સર્જાય ત્યારે તાત્કાલિક જાણ કરવા તેમજ સલામતીના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya