ગઢડા તાલુકામાં આમ આદમી પાર્ટીની સંગઠન તૈયારી બેઠક યોજાઈ
બોટાદ, 23 જૂન (હિ.સ.) ગઢડા તાલુકામાં આમ આદમી પાર્ટીની સંગઠન તૈયારી બેઠક ઉત્સાહભેર અને સફળતાપૂર્વક યોજાઈ હતી. બેઠકમાં તાલુકાના તમામ પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, સમર્થકો તેમજ વિધાનસભા સહયોગીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગામી 2027ની ગુજરાત વિધા
આમ આદમી પાર્ટી દ્વારા બેઠક યોજવામાં આવી


બોટાદ, 23 જૂન (હિ.સ.) ગઢડા તાલુકામાં આમ આદમી પાર્ટીની સંગઠન તૈયારી બેઠક ઉત્સાહભેર અને સફળતાપૂર્વક યોજાઈ હતી. બેઠકમાં તાલુકાના તમામ પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, સમર્થકો તેમજ વિધાનસભા સહયોગીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગામી 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવા માટે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન નવનિયુક્ત બોટાદ વિધાનસભા સંગઠનમંત્રી અજય જમોડ તથા ગઢડા વિધાનસભા સંગઠનમંત્રી મહેન્દ્ર સાટીયાનું કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ દ્વારા ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ તેમને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. બંને આગેવાનોએ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરી સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સૌને એકજૂથ થઈ કાર્ય કરવાની અપીલ કરી હતી.

આ પ્રસંગે ગઢડા વિધાનસભાના સ્પેશિયલ ટાસ્ક ઇન્ચાર્જ દીપક પંડ્યા તથા બોટાદ વિધાનસભાના સ્પેશિયલ ટાસ્ક ઇન્ચાર્જ પરસોત્તમ રાઠોડે કાર્યકર્તાઓને સંગઠન નિર્માણ, વિસ્તાર અને બૂથ સ્તરે કામગીરી મજબૂત બનાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે આગામી દિવસોમાં પક્ષની વિચારધારાને વધુ લોકો સુધી પહોંચાડવા અને નવા કાર્યકર્તાઓને સંગઠન સાથે જોડવા માટે આયોજનબદ્ધ રીતે કાર્ય કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

બેઠક દરમિયાન ગઢડા તાલુકાના પ્રથમ સ્તરના સંગઠન નિર્માણની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી તેમજ આગામી કાર્યક્રમોની રૂપરેખા અને જવાબદારીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. કાર્યકર્તાઓએ સંગઠનને વધુ સશક્ત બનાવવા અને લોકોના પ્રશ્નોને અસરકારક રીતે ઉઠાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

અંતે, સંગઠનને મજબૂત બનાવી 2027ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને વિજય અપાવવાના સંકલ્પ સાથે બેઠક પૂર્ણ થઈ હતી. સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહ અને એકતાનો માહોલ જોવા મળ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande