


પોરબંદર, 23 જૂન (હિ.સ.)મૂળ જૂના કાંટેલા ગામના વતની અને ઉદારદિલ પોપટ પરિવાર દ્વારા પોતાની માતૃભૂમિ પ્રત્યેની ફરજ અદા કરતા કાંટેલા પ્રાથમિક શાળા અને આંગણવાડીમાં શિક્ષણ તથા આરોગ્યના ક્ષેત્રે એક પ્રશંસનીય યોગદાન આપવામાં આવ્યું છે. આ પરિવાર દર વર્ષે નિયમિતપણે ગામની મુલાકાત લઈ બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. આ જ કડીમાં ચાલુ વર્ષે પોપટ પરિવાર તરફથી શાળાના વર્ગખંડો માટે રૂ. 40,000 ની કિંમતના 20 નંગ નવા પંખા દાનમાં આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, ગામની આંગણવાડીના નાના ભૂલકાંઓને અભ્યાસનું સાનુકૂળ વાતાવરણ મળી રહે તે હેતુથી 35 નાના સ્ટડી ટેબલ પણ ભેટ આપવામાં આવ્યા છે. આ તમામ ભૌતિક સામગ્રીની કુલ કિંમત આશરે રૂ. 1,60,000 જેટલી થાય છે.
શિક્ષણની સાથે બાળકોના આરોગ્યની ચિંતા કરતા પોપટ પરિવાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી (વર્ષ 2022 થી) સતત શાળામાં નિઃશુલ્ક ડેન્ટલ ચેક-અપ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ડેન્ટિસ્ટ દ્વારા બાળકોના દાંતની બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી અને તેમને દાંતની સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપીને ટૂથપેસ્ટ તથા બ્રશની કિટનું વિતરણ કરાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આ પરિવાર દ્વારા બાળકોના ડિજિટલ અભ્યાસ માટે શાળાને 5 સ્માર્ટ ટી.વી. ભેટ આપવામાં આવ્યા હતા, જેનો લાભ આજે પણ વિદ્યાર્થીઓ મેળવી રહ્યા છે.
આ પ્રસંગે પોપટ પરિવારે જણાવ્યું હતું કે, આપણી આવનારી પેઢીને સ્વસ્થ અને શિક્ષિત બનાવવી એ જ આપણી સૌથી મોટી ફરજ છે અને આ સેવાયજ્ઞ દર વર્ષે ચાલુ રહેશે. જનભાગીદારીના આ ઉત્કૃષ્ટ ઉદાહરણ બદલ શાળાના આચાર્યશ, SMC કમિટી તેમજ સમગ્ર ગ્રામજનોએ અશોકભાઈ પોપટ, કીર્તિબેન પોપટ અને મધુભાઈ ઘીવાળાના અથાગ પ્રયાસોને બિરદાવી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya