
સુરત, 23 જૂન (હિ.સ.) રાજ્યભરમાં શિક્ષણના વ્યાપ અને ગુણવત્તાને વેગ આપવા માટે શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ–કન્યા કેળવણી મહોત્સવ-2026ના પ્રથમ દિવસે કામરેજ તાલુકાના નવાગામ પ્રા.શાળા ખાતે જિલ્લા કલેક્ટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો. જિલ્લા કલેક્ટરે આંગણવાડીના છ, બાળવાટિકાના 27 અને ધો. 1માં પાંચ બાળકો મળી કુલ 38 બાળકોને શાળાપ્રવેશ કરાવ્યો હતો.
આ અવસરે જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું હતું કે, શિક્ષણ એ વિકસિત સમાજ અને વિકસિત રાજ્યનો મુખ્ય આધારસ્તંભ છે. વાલીઓને પણ આગ્રહ સાથે બાળકોને દરરોજ શાળાએ ભણવા મોકલવા તેમજ તેના શિક્ષણમાં મદદરૂપ થવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, આ બાળકો જ ગુજરાતની ભાવિ પેઢી છે, જે વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, વાલીઓએ સરકારી સ્કૂલ પર જે વિશ્વાસ મૂક્યો છે તેની ફલશ્રુતિરૂપે છેલ્લા કેટલાક સમયમાં અનેક વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. આપણા વિસ્તારમાં કોઈપણ કારણસર બાળકોએ અગાઉ શાળા છોડી દીધી હોય તેવા તમામ વિદ્યાર્થીઓ પુનઃ શાળામાં પ્રવેશ મેળવીને અધૂરો અભ્યાસ પૂરો કરે તેવો ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.
જિલ્લા કલેક્ટરના હસ્તે નવાગામ પ્રાથમિક શાળાના તેજસ્વી તારલાઓને વિવિધ સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ સન્માનિત કરાયા હતા. શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓએ સામાજિક ઉત્થાન, કન્યા કેળવણી અને શિક્ષણના મહત્વને ઉજાગર કરતું પ્રેરણાદાયી વક્તવ્ય રજૂ કર્યું હતું. અંતે હાજર સૌએ રોડ સેફ્ટીના નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ત્યારબાદ શાળાના સ્માર્ટ ક્લાસરૂમ સહિતના ખંડોની મુલાકાત લઈને શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું.
આ અવસરે જિલ્લા સમાહર્તાએ નાના ભૂલકાઓ સાથે જમીન પર બેસીને ભોજન પણ ગ્રહણ કરીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે પ્રાંત અધિકારી વી. કે. પીપળીયા, નવાગામના સરપંચ સુમિત્રા પટેલ, તાલુકા પં. પ્રમુખ કૌશલ પટેલ, શાળાના આચાર્ય નિશાબેન, મામલતદાર ડો. આર. એસ. ઠાકોર, જિલ્લા પં. સદસ્યો, અગ્રણી ઈશ્વર પટેલ, શિક્ષકગણ, બાળકો સહિત વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે