

પોરબંદર, 23 જૂન (હિ.સ.)પોરબંદર શહેરના વોર્ડ નં. 6 વિસ્તારમાં રોડ-રસ્તાના વિકાસ અને સુધારણા કાર્યો હાલ તેજ ગતિએ ચાલી રહ્યા છે. વોર્ડ નં. 6 ના કોર્પોરેટર અફઝલ યુસુફભાઈ અફીણી (પટેલ) દ્વારા મેયર સાગરભાઈ મોદીને લેખિત રજૂઆત કરીને ચોમાસા પૂર્વે વિસ્તારના બિસ્માર રસ્તાઓનું તાત્કાલિક સમારકામ અને નવીનીકરણ કરવાની માંગ કરવામાં આવી હતી. કોર્પોરેટરની રજૂઆતને ગંભીરતાથી ધ્યાને લઈ મેયરની સૂચનાથી તુરંત જ રોડ વિકાસની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના પરિણામે હાલ વોર્ડ નં. 6 ના વિવિધ વિસ્તારોમાં રોડ-રસ્તાના કામો ગતિમાન બન્યા છે. ખાસ કરીને શીતલા ચોકથી વિરડી પ્લોટ તરફ જતો મુખ્ય માર્ગ ડામરથી મઢવામાં આવ્યો છે, તેમજ ચૂના ભઠ્ઠા વિસ્તારના રસ્તાઓ સહિત વોર્ડ નં.6ના અન્ય માર્ગોના સુધારણા કાર્યો પણ હાથ ધરવામાં આવ્યા છે. આ કામગીરી પૂર્ણ થતાં સ્થાનિક નાગરિકોને ચોમાસાની ઋતુ દરમિયાન કાદવ, ખાડા અને અવરજવર સંબંધિત મુશ્કેલીઓમાંથી રાહત મળશે. સ્થાનિક રહેવાસીઓએ રોડ વિકાસના કામોને આવકાર્યા હતા. લાંબા સમયથી જરૂરી બનેલી આ કામગીરી સમયસર શરૂ થતાં વિસ્તારના લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. વોર્ડ નં.6 ના કોર્પોરેટર અફઝલ યુસુફભાઈ અફીણી (પટેલ) તેમજ સ્થાનિક આગેવાનો અને નાગરિકોએ રોડ-રસ્તાના કામોને પ્રાથમિકતા આપી તાત્કાલિક કામગીરી શરૂ કરાવવા બદલ મેયર સાગરભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya