


છોટાઉદેપુર, 23 જૂન (હિ.સ.) છોટાઉદેપુર જિલ્લાની કિશોરીઓમાં અડગ આત્મવિશ્વાસ, શિક્ષણ, સ્વાસ્થ્ય અને નેતૃત્વના ગુણો ખીલે તેવા ઉમદા આશય સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા સશક્ત દીકરી - કલેક્ટર ઇન ક્લાસરૂમ અભિયાન અંતર્ગત તેઓએ એસ.એફ. હાઈસ્કૂલની મુલાકાત લીધી હતી અને શાળાની દીકરીઓ સાથે સીધો સંવાદ સાધી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
શાળાની મુલાકાત દરમિયાન કલેક્ટર ગાર્ગી જૈને વિદ્યાર્થીનીઓનું આત્મગૌરવ જગાડતા તેમના રોજિંદા જીવનમાં ‘હું સ્વચ્છ રહીશ, હું આત્મવિશ્વાસી રહીશ, હું સુરક્ષિત રહીશ, હું નિયમિત રમત રમીશ અને મારા પરિવાર, ગામ તેમ જ દેશનું નામ રોશન કરીશ’જેવા પ્રેરણાદાયી વાક્યોનું નિયમિત ઉચ્ચારણ કરી જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી.
કલેક્ટરના હસ્તે પર્યાવરણ અને શિક્ષણના સમન્વય સમાન હાજર તમામ વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહક ભેટ સ્વરૂપે 'પ્લાન્ટેબલ પેન્સિલ' નું વિતરણ કરવામાં આવ્યું હતું.
સંવાદ દરમિયાન કલેક્ટરએ અત્યંત સહજતાથી પોતાના વિદ્યાર્થીકાળના સંઘર્ષો, અનુભવો અને કારકિર્દીના સફર વિશે બાળાઓને વિગતવાર જણાવ્યું હતું. તેમણે દીકરીઓને પોતાના સપનાઓ અને લક્ષ્યોને ઓળખી, તેને અંકિત કરી, ચોક્કસ દિશામાં મહેનત કરવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ કાર્યક્રમથી પ્રેરિત થઈને શાળાની વિદ્યાર્થીનીઓએ દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવા અને ઉચ્ચ શિખરો સર કરવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ