પોરબંદરના ખેડૂતો મેઘરાજાની રાહમાં.
પોરબંદર, 23 જૂન (હિ.સ.) પોરબંદર જિલ્લામાં દર વર્ષે અંદાજિત એક લાખથી વધારે હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવે છે. જિલ્લામાં મુખ્યત્વે મગફળી, કપાસ, સહીત અન્ય ખરીફ પાકોની ખેતી ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. જોકે, આ વર્ષે ચોમાસાના આગમનમ
પોરબંદરના ખેડૂતો મેઘરાજાની રાહમાં.


પોરબંદર, 23 જૂન (હિ.સ.) પોરબંદર જિલ્લામાં દર વર્ષે અંદાજિત એક લાખથી વધારે હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવે છે. જિલ્લામાં મુખ્યત્વે મગફળી, કપાસ, સહીત અન્ય ખરીફ પાકોની ખેતી ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. જોકે, આ વર્ષે ચોમાસાના આગમનમાં થોડો વિલંબ થતાં ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને હવે સમગ્ર ખેડૂતવર્ગની નજર આકાશ તરફ મંડાયેલી છે.

જિલ્લાના અનેક ખેડૂતો દ્વારા ઓરવણા પિયતના આધારે આશરે 18 હજાર હેક્ટર વિસ્તારમાં આગોતરું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે મગફળી અને કપાસના પાકનો સમાવેશ થાય છે. સમયસર વરસાદની આશાએ અમુક ખેડૂતોએ ખેતીના તમામ કામો પૂર્ણ કરીને વાવણી કરી દીધી હતી. પરંતુ ચોમાસાના વિલંબના કારણે હવે ખેડૂતોમાં ચિંતા વધી રહી છે.આગોતરું કરાયેલા પાકને વરસાદની તાતી જરૂરિયાત ઉભી થઈ છે.

બીજી તરફ, જિલ્લામાં હજુ પણ અંદાજે 80 હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર બાકી છે. ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે અને સારો વાવણીલાયક વરસાદ થતાં જ બાકી રહેલા વિસ્તારમાં વાવણીના શ્રીગણેશ શરૂ થઈ જશે.ગામડાઓમાં ખેડૂતો રોજેરોજ આકાશ તરફ નજર રાખી રહ્યા છે અને વહેલાસર મેઘરાજા કૃપા વરસાવે તેવી પ્રાર્થનાઓ કરી રહ્યા છે.

ખેડૂતોનું માનવું છે કે જો આગામી દિવસોમાં સારો વરસાદ થશે તો આગોતરું કરાયેલા મગફળી અને કપાસના પાકને જીવનદાન મળશે અને ખેતીમાં ફરી ચહલપહલ જોવા મળશે. સાથે જ બાકી રહેલા વિસ્તારમાં પણ ઝડપથી વાવણીકાર્ય શરૂ થશે, જો કે, હવામાન વિભાગ દ્વારા પણ આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આગાહીના પગલે ખેડૂતોમાં નવી આશા જાગી છે. ખેડૂતોને વિશ્વાસ છે કે મેઘરાજા ટૂંક સમયમાં મહેરબાન થશે અને ખરીફ સીઝનને નવી ગતિ મળશે.

હાલ તો પોરબંદર જિલ્લાના ખેડૂતો મેઘરાજાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. વાવણીલાયક સારો વરસાદ પડે અને આ વર્ષની ખેતી સીઝન સફળ બને તેવી આશા સાથે સમગ્ર ખેડૂતવર્ગ આભસામે મીટ માંડીને બેઠો છે. ખેડૂતોનું માનવું છે કે સારો વરસાદ આગોતરા વાવતેર સહીત સમગ્ર ખરીફ સીઝનને નવી દિશા આપનાર સાબિત થશે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande