
સોમનાથ,23 જૂન (હિ.સ.) શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે શિક્ષણમંત્રી ડૉ.પ્રદ્યુમન વાજાએ જામવાડા ખાતે શાળા પ્રવેશોત્સવ દરમિયાન નાના ભૂલકાઓ સાથે જમીન પર જ ભોંયતળિયે બેસીને જ સહજભાવે નાસ્તો કર્યો હતો.બાળકો સાથે બટેટાપૌવાનો નાસ્તો કરતા કરતા શિક્ષણમંત્રીએ નાના બાળકોને વિવિધ પ્રશ્નો પૂછીને બાળકોના શિક્ષણ ઉત્કર્ષની ચકાસણી કરતા-કરતા બાળકોની બાળસહજ મસ્તીમાં સહભાગી બની ભાર વગરના ભણતરનું અહેસાસ કરાવ્યો હતો.
પોતાનો સહજ અને સરળ ભાવ દર્શાવતા મંત્રીએ સામાન્ય નાગરિકની જેમ જ જમીન પર પલાંઠીભેર બેસી અને વિદ્યાર્થીઓ સાથે બટેટાપૌવા આરોગ્યા હતાં.
મંત્રીએ વાલીપણું દર્શાવતા આંગણવાડીના નાના-નાના ભૂલકાઓ સાથે બાળસહજ સંવાદ કર્યો હતો અને ભૂલકાઓને ચોકલેટ આપી અને લાડ લડાવ્યાં હતાં.
શિક્ષણમંત્રી સાથે પૂર્વ સાંસદ દિનુ સોલંકી અને કોડીનાર નગરપાલિકાના ઉપપ્રમુખ શિવા સોલંકી, જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરીચા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અશોક પટેલ, તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યો પ્રવેશોત્સવમાં સહભાગી બન્યા હતાં.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ