
સોમનાથ, 23 જૂન (હિ.સ.) ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ની થીમ સાથે રાજ્યભરમાં આજે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત થઈ છે.
તે અંતર્ગત આજે શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં ગીરગઢડા તાલુકાના જામવાડા અને હરમડિયાની શાળા ખાતે ઉમંગ-ઉલ્લાસભર્યા માહોલમાં બાળકોનો શાળામાં પ્રવેશ કરાવાયો હતો.
શિક્ષણમંત્રીએ બાલવાટિકા, ધોરણ-1 તેમજ ધોરણ-9 અને 11 ના નવા પ્રવેશ મેળવતા ભૂલકાઓ અને બાળકોને શૈક્ષણિક કીટ આપીને ઉત્સાહભેર શાળામાં આવકાર્યા હતાં.
શિક્ષણમંત્રીએ આ અવસરે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, શાળા એ વિદ્યાનું મંદિર છે. જ્યાં બાળકો કેળવણી સાથે શિક્ષણ મેળવી અને સારા નાગરિક બનવા તરફ પોતાનું પહેલું ડગલું માંડે છે.
'રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦'માં ગોખણપટ્ટી નહીં, પરંતુ વિદ્યાર્થીઓમાં કૌશલ્ય અને સર્જનાત્મકતાનો સંચાર થાય એ પાયામાં રહેલું છે.
તેમાં તેમણે શિક્ષણનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે, શિક્ષણથી વ્યક્તિગત ક્ષમતા અને કૌશલ્યવર્ધન સાથે તે સામાજિક પરિવર્તન માટે પણ ઉપકારક બને છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2003 થી શરૂ કરાવેલી પ્રવેશોત્સવની શિક્ષણજ્યોત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આજે ૨૪માં વર્ષમાં પ્રવેશી છે.
તેમણે 'પ્રધાનમંત્રી મિડ-ડે મીલ', 'મુખ્યમંત્રી અલ્પાહાર યોજના', 'નમો સરસ્વતી યોજના','નમો લક્ષ્મી યોજના', જ્ઞાન સાધના સ્કોલરશીપ સહિતની યોજનાઓની વિસ્તૃત વાત કરી રાજ્ય સરકાર શિક્ષણને ઉત્તેજન આપવા માટે કેટલી તત્પર છે તેની વાત કરી હતી.
મંત્રીએ વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા જણાવ્યું હતું કે, FAIL એટલે નિષ્ફળતા નહીં, પરંતુ ફર્સ્ટ એટેમ્પ્ટ ઈન લર્નિંગ, નિષ્ફળતા એટલે ભૂલોમાંથી વધુ સારી રીતે શીખવાની તક. વિદ્યાર્થીઓ પોતાની ભૂલમાંથી શીખીને જ શૈક્ષણિક ક્ષેત્ર સહિત પોતાના અંગત જીવનનો પણ વિકાસ સાધી શકે છે.
મંત્રીએ જુગતરામ દવે, પૂર્ણીમાબહેન ભટ્ટ, ડૉ.બાબા સાહેબ આંબેડકર સહિતના શિક્ષણવિદો અને કેળવણીકારો તેમજ સી.વી.રામન અને ડૉ જગદિશચંદ્ર બૉઝ જેવા વૈજ્ઞાનિકોના ઉદાહરણ આપીને તેમણે વિદ્યાર્થીઓમાં નાવિન્યતા અને સંશોધનવૃત્તિ અને જિજ્ઞાસાવૃતિ કેળવવા પર ભાર મૂક્યો હતો.
ગીર સોમનાથ જિલ્લાના શૈક્ષણિક વિકાસ માટે જિલ્લામાં કેન્દ્રની 12 અને રાજ્યની 12 મળી 24 પીએમ શાળા, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત 2354 સ્માર્ટ ક્લાસરૂમ, 32 નવા વર્ગખંડનું પ્રગતિકામ, 162 વર્ગખંડ રિપેરિંગ, 7 કુમાર અને 8 કન્યા ટોઈલેટ, 115 મીડ ડે મીલ બાંધકામ તેમજ 5 સરકારી માધ્યમિક અને 6 આર.એમ.એસ.એ શાળા મંજૂર કરવામાં આવી હોવાની વિગતો શિક્ષણમંત્રીએ આપી હતી.
પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ એ શાળા પ્રવેશ મેળવતા બાળકો માટે અત્યંત ખાસ છે. આજના દિવસે બાળકો શૈક્ષણિક પ્રવેશ મેળવીને એમની એક નવી જ દુનિયામાં પ્રવેશી રહ્યાં છે. સરકારી શાળામાં બાળકોના અભ્યાસ માટે સરકાર દ્વારા તાલીમબદ્ધ નિપુણ શિક્ષકોની નિમણૂક કરવામાં આવે છે. જેથી બાળકોને ઉત્તમ શિક્ષણ મળે અને તેમનું ભવિષ્ય વધુ ઉજ્જવળ બને.
કોઈ કારણોસર શાળા છોડી હોય એવા વિદ્યાર્થીઓનો પણ 'બેક ટૂ સ્કૂલ અભિયાન' અંતર્ગત બારૈયા કિરણબહેન અને મમતાબહેનનો પણ ફરીથી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.
શિક્ષણમંત્રી અને મહાનુભાવોના હસ્તે એન.એમ.એમ.એસ, જ્ઞાનસાધના,100 % હાજરી આપનાર, ધો.10 અને 12 માં એ-1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ સહિત સ્કોલરશિપ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા હતાં.
મંત્રીના હસ્તે હરમડિયા ખાતે આંગણવાડીમાં 13 કુમાર 10 કન્યા, બાલવાટિકાના 29 કુમાર અને 29 કન્યા તેમજ ધો.9 માં 44 કુમાર અને 42 કન્યા તેમજ ધો.11 માં 44 બાળકોને શૈક્ષણિક કીટ આપીને શાળા પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રવેશોત્સવમાં જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરીચા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અશોક પટેલ, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યઓ, જામવાડા ઉપસરપંચ શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ