સૂત્રાપાડા ખાતે ૬૦.૪૩ કરોડના ખર્ચે તૈયાર થયેલ એમ.વી.સી.સી. કેબલ પ્રોજેકટનું લોકાર્પણ અને ૩૩ કરોડના ખર્ચે તૈયાર થનાર લેટિસ પોલ નેટવર્કનું ખાતમુહૂર્ત
ગીર સોમનાથ, 23 જૂન (હિ.સ.) ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં આજે સૂત્રાપાડા ખાતે રૂ. ૬૦.૪૩ કરોડના ખર્ચે તૈયાર થયેલ એમ.વી.સી.સી. કેબલ પ્રોજેકટનું લોકાર્પણ અને રૂ.૩૩ કરોડના ખર્ચે તૈયાર થનાર લેટિસ પોલ નેટવર્કનું ખાતમુહૂર્ત સંપન્ન થયું
સૂત્રાપાડા ખાતે રૂ. ૬૦.૪૩ કરોડના ખર્ચે તૈયાર થયેલ એમ.વી.સી.સી. કેબલ પ્રોજેકટનું


ગીર સોમનાથ, 23 જૂન (હિ.સ.) ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં આજે સૂત્રાપાડા ખાતે રૂ. ૬૦.૪૩ કરોડના ખર્ચે તૈયાર થયેલ એમ.વી.સી.સી. કેબલ પ્રોજેકટનું લોકાર્પણ અને રૂ.૩૩ કરોડના ખર્ચે તૈયાર થનાર લેટિસ પોલ નેટવર્કનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું.

સૂત્રાપાડા ખાતે આવેલી પી.જી.વી.સી.એલની પેટા વિભાગીય કચેરી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સંબોધન કરતા ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે, દરિયાઈ વિસ્તારમાં સાતત્યતાપૂર્ણ વીજ પુરવઠો પૂરો પાડવા માટે વીજવિભાગ કટિબદ્ધ છે.

તેમણે જણાવ્યું કે, ગીર સોમનાથ જિલ્લો એ બહોળો દરિયાઈ વિસ્તાર ધરાવતો જિલ્લો છે. આ દરિયાઈ વિસ્તારે ભૂતકાળમાં અનેક વાવાઝોડાનો પ્રહાર ખમ્યો છે. જ્યારે પણ તાઉ'તે જેવા વાવાઝોડાની સ્થિતિ ઉદભવે છે ત્યારે ખોરવાયેલો વીજપુરવઠો પુનઃ સ્થાપિત કરવા પીજીવીસીએલની ટીમ ખડેપગે રહે છે.

દરિયાકાંઠા તથા ચક્રવાત પ્રભાવિત વિસ્તારોમાં વધુ મજબુત અને સ્થાયી વીજ માળખું ઉભું કરવા વાવાઝોડા પ્રતિરોધક લેટિસ પોલ નેટવર્ક માટેની યોજના આ જિલ્લા માટે ઉપયોગી બનશે. એમ એમણે ઉમેર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું કે આગામી સમયમાં સૂત્રાપાડા અને તાલાલા નગરપાલિકાના ખૂલ્લા વીજવાયરના નેટવર્કને અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે તે દિશામાં વીજવિભાગ કાર્યરત છે.

રાજ્યસભાના સાંસદ માનસિંહભાઈ પરમારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૨માં જ્યોતિગ્રામ યોજનાની શરૂઆત કરી હતી. ત્યારે, ગામડામાં ૨૪ કલાક અવિરત વીજળી આવે એ માત્ર સપનું હતું. આજે જ્યોતિગ્રામ યોજના થકી આજે રાજ્યના છેવાડાના ગામ પણ વીજળીથી ઝળહળાં થયા છે.

સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ધીમે-ધીમે ટેક્નોલોજીમાં ક્રાંતિ આવતાં આપણે એમ.વી.સી.સી કેબલ સુધી પહોંચ્યા છીએ. આ ટેક્નોલોજીની દેણ છે કે, કોઈપણ વિક્ષેપ વગર દરિયાઈકાંઠાના વિસ્તારમાં પણ અવિરત વીજપુરવઠો જળવાઈ રહે છે.

ધારાસભ્ય ભગવાનભાઈ બારડે જણાવ્યું હતું કે, જિલ્લામાં નારિયેળી અને આંબાના પાકનો વધુ વાવેતર વિસ્તાર હોવાથી ટ્રિપિંગની સમસ્યા ઉદભવતી હતી. આ સમસ્યાથી હવે એમ.વી.સી.સી. કેબલના કારણે છૂટકારો મળશે.

ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ જિલ્લાના ઉર્જા ક્ષેત્રના સર્વાંગી વિકાસ તથા ગ્રાહકોને વધુ વિશ્વસનીય, સુરક્ષિત અને ગુણવત્તાસભર વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવવાના હેતુસર રૂ.૩૩ કરોડના ખર્ચે જિલ્લામાં ૧૩૭ કિ.મી વિસ્તારમાં વાવાઝોડા પ્રતિરોધક લેટિસ પોલની કામગીરી થશે.

વાવાઝોડા પ્રતિરોધક (લેટિસ પોલ) નેટવર્કથી અતિપ્રતિકૂળ હવામાન દરમિયાન પણ વીજ વ્યવસ્થાની સ્થિરતા જળવાઇ રહેશે.

એમ.વી.સી.સી રિકન્ડક્ટરિંગ કાર્યક્ષેત્ર અંતર્ગત જિલ્લામાં ૪૩ ફિડર પર રૂ. ૬૦.૪૩ કરોડના ખર્ચે કુલ ૬૦૭ સર્કિટ કિલોમીટરની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છેકે, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા જિલ્લામાં એમ.વી.સી.સી. કેબલ પ્રોજેકટના અમલીકરણથી વીજ પુરવઠાની સાતત્યતામાં વધારો અને ભારે વરસાદ અને કુદરતી આફતોની વિપરિત સ્થિતિમાં તેમજ વૃક્ષોની ડાળીના સંપર્ક તથા અન્ય કારણોથી થતી વીજ વિક્ષેપોની સંભાવનામાં નોંધપાત્ર ઘટાડો થશે.

કાર્યક્રમમાં અધિક્ષક ઈજનેર એસ.એચ.રાઠોડે સ્વાગત પ્રવચન અને ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર જે.જે.કાચાએ આભારવિધિ કરી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દ્વારકાદાસ દોમડિયા, અગ્રણી ડૉ.સંજયભાઈ પરમાર, દિલિપભાઈ બારડ, સુરસિંહ મોરી, અનિલ જેઠવા સહિત પી.જી.વી.સી.એલ અને જેટકોના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande