
કચ્છ,23 જૂન (હિ.સ.) પૂર્વ કચ્છમાં માદક પદાર્થોના ગેરકાયદે વેપારને નાબૂદ કરવા માટે ચલાવવામાં આવી રહેલી નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ ઝુંબેશ હેઠળ અંજાર પોલીસે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.
શહેરના નવાનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી ગાંજાનું વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી એક આરોપીને ઝડપી પાડ્યો હતો, જ્યારે આ ગેરકાયદે ધંધામાં સંડોવાયેલા અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પૂર્વ કચ્છમાં માદક પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે સઘન અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એચ.એ. જાડેજા અને તેમની ટીમ સતત શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી હતી.
દરમિયાન પોલીસને વિશ્વસનીય બાતમી મળી હતી કે નવાનગર રેલ્વે પાટા નજીક રહેતો અબ્દુલ ભચુ બાફણ પોતાના ઘરમાં ગાંજાનો જથ્થો સંગ્રહી તેનો છૂટક વેપાર કરી રહ્યો છે. મળેલી માહિતીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તેના રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ત્યાંથી અંદાજે 0.829 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. 41,450 જેટલી થાય છે.
પોલીસે આરોપીની પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે ગાંજાનો જથ્થો તેના નાના ભાઈ અલ્તાફ ભચુ બાફણ પાસેથી મેળવ્યો હતો અને તે સ્થાનિક ગ્રાહકોને છૂટક પ્રમાણમાં વેચાણ કરતો હતો. આ ખુલાસા બાદ પોલીસે અબ્દુલ બાફણ સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે, જ્યારે અલ્તાફ બાફણને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ શરૂ કરી છે.
આ કાર્યવાહીમાં પોલીસે ગાંજાના જથ્થા ઉપરાંત બે ત્રાજવા, એક મોબાઇલ ફોન અને અન્ય જરૂરી પુરાવાઓ મળી કુલ રૂ. 42,450નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંજાર પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં એન.ડી.પી.એસ. એક્ટની વિવિધ કલમો હેઠળ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
અંજાર પોલીસની આ સફળ કામગીરીને કારણે વિસ્તારમાં માદક પદાર્થોના ગેરકાયદે વેપારમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરતા આવા તત્વો સામે આવનારા સમયમાં પણ કડક કાર્યવાહી યથાવત રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar