



કચ્છ, 23 જૂન (હિ.સ.) કચ્છ જિલ્લામાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપતા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2026નો પ્રારંભ ઉત્સાહભેર કરવામાં આવ્યો. આજે ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ની થીમ હેઠળ અંજાર ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગાની ઉપસ્થિતિએ સમગ્ર વાતાવરણને પ્રેરણાદાયી બનાવ્યું હતું. આ અવસરે આંગણવાડીથી લઈને માધ્યમિક શિક્ષણમાં પ્રવેશ મેળવનારા બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી તેમના જીવનના નવા શૈક્ષણિક અધ્યાયની ખુશીની શરૂઆત કરાવવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અભિયાનની શરૂઆત વર્ષો પહેલા કરવામાં આવી હતી, જેના સકારાત્મક પરિણામો આજે સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. સરકારી શાળાઓમાં આધુનિક સુવિધાઓ, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને બાળકોના સર્વાંગી વિકાસ માટેના પ્રયાસોના કારણે શિક્ષણનું સ્તર સતત ઊંચું જઈ રહ્યું છે. ખાસ કરીને કન્યા શિક્ષણના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે, જે રાજ્ય માટે ગૌરવની બાબત છે.
તેમણે બાળકોને સંબોધતા કહ્યું કે, શિક્ષણ જીવનને પ્રકાશિત કરતી દીવાદાંડી સમાન છે. આજે શાળાના દ્વારેથી શરૂ થતો તેમનો સફર આવનારા સમયમાં સફળતા અને સમૃદ્ધિ તરફ દોરી જશે. દેશને વર્ષ 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે શિક્ષણ સૌથી મહત્વપૂર્ણ આધારસ્તંભ હોવાનું જણાવી તેમણે વાલીઓને બાળકોને સંપૂર્ણ શિક્ષણ અપાવવા માટે પ્રેરિત કર્યા હતા. સાથે જ રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી વિવિધ શૈક્ષણિક યોજનાઓનો લાભ લેવા પણ અપીલ કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર શિક્ષણના વ્યાપને વિસ્તૃત કરવા માટે સતત કાર્યરત હોવાનું જણાવતા રાજ્યમંત્રીશ્રીએ કહ્યું કે, કચ્છ જિલ્લામાં નવી માધ્યમિક શાળાઓને મંજૂરી આપવામાં આવી છે તેમજ અંજારને ત્રણ નવી સરકારી કોલેજોની ભેટ પણ પ્રાપ્ત થઈ છે, જે વિસ્તારના વિદ્યાર્થીઓ માટે નવી તકો ઊભી કરશે.
અંજાર નગર પ્રાથમિક શાળા નં. 14 અને સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમોમાં કુલ દસ શૈક્ષણિક સંસ્થાઓના બાળકોને પ્રવેશ અપાયો હતો. આંગણવાડીમાં 11, બાલવાટિકામાં 153, ધોરણ-1માં 80, ધોરણ-9માં 247 તેમજ ધોરણ-11માં 50 વિદ્યાર્થીઓએ નવા શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મેળવ્યો હતો. બાળકોના ચહેરા પરનો ઉત્સાહ અને વાલીઓની ખુશી સમગ્ર કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બની રહી હતી.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું, જે શિક્ષણ સાથે પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપતું હતું. કાર્યક્રમ દરમિયાન શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવેલી વાહન સુવિધાને લીલીઝંડી આપી તેનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, નગરપાલિકાના હોદ્દેદારો, શિક્ષણ વિભાગના અધિકારીઓ, સંતમહાત્માઓ, શિક્ષકો, વાલીઓ, એસ.એમ.સી.ના સભ્યો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા, સમાજની સહભાગિતા અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય પ્રત્યેની આશાઓનું જીવંત પ્રતિબિંબ બની રહ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar