કચ્છમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો સામે તંત્રનો મોટો પ્રહાર: 1.67 કરોડની જમીન કરાઈ દબાણ મુક્ત
કચ્છ, 23 જૂન (હિ.સ.) કચ્છ જિલ્લામાં સરકારી જમીન અને જાહેર મિલકતોના સંરક્ષણ માટે જિલ્લા વહીવટીતંત્રે વ્યાપક સ્તરે દબાણ હટાવવાની વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગ, પ્રાંત કચેરીઓ તેમજ તાલુકા સ્તરના મહેસૂલી તંત્ર
કચ્છમાં અલગ અલગ સ્થળોએ દબાણ હટાવાયું


કચ્છમાં અલગ અલગ સ્થળોએ દબાણ હટાવાયું


કચ્છમાં અલગ અલગ સ્થળોએ દબાણ હટાવાયું


કચ્છ, 23 જૂન (હિ.સ.) કચ્છ જિલ્લામાં સરકારી જમીન અને જાહેર મિલકતોના સંરક્ષણ માટે જિલ્લા વહીવટીતંત્રે વ્યાપક સ્તરે દબાણ હટાવવાની વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગ, પ્રાંત કચેરીઓ તેમજ તાલુકા સ્તરના મહેસૂલી તંત્ર દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવેલી આ કામગીરીમાં અનેક સ્થળોએ ગેરકાયદેસર રીતે કબજો જમાવવામાં આવેલી સરકારી જમીનને મુક્ત કરાવવામાં સફળતા મળી છે.

આજે હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં કચ્છના નવ તાલુકાઓમાં કુલ 30 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. પરિણામે 22,485 ચોરસ મીટર જેટલી કિંમતી સરકારી જમીન ફરીથી સરકારના કબજામાં આવી છે. વહીવટી તંત્રના અંદાજ મુજબ દબાણમુક્ત કરાયેલી જમીનની કિંમત રૂ. 1.67 કરોડથી વધુ થાય છે.

તંત્ર દ્વારા દૂર કરાયેલા દબાણોમાં ધાર્મિક, વ્યાપારી તેમજ રહેણાંક હેતુઓ માટે ઉભા કરાયેલા બાંધકામોનો સમાવેશ થાય છે. સરકારી જમીન પર કોઈપણ પ્રકારના અનધિકૃત કબજાને સહન ન કરવાની નીતિ સાથે તંત્રએ કાર્યવાહી હાથ ધરી હતી, જેના કારણે અનેક વર્ષોથી ચાલતા કેટલાક દબાણો પણ દૂર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

તાલુકાવાર જોવામાં આવે તો ભુજ તાલુકામાં સૌથી વધુ દબાણો દૂર કરાયા છે, જ્યારે અબડાસા તાલુકામાં પણ નોંધપાત્ર પ્રમાણમાં સરકારી જમીન દબાણમુક્ત કરાવવામાં આવી છે. આ ઉપરાંત નખત્રાણા, ગાંધીધામ, લખપત, મુંદ્રા, માંડવી, ભચાઉ અને રાપર સહિતના વિસ્તારોમાં પણ ગેરકાયદેસર કબજાઓ સામે અસરકારક કાર્યવાહી કરવામાં આવી હતી.

જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સરકારી જમીનો પર થતા ગેરકાયદેસર દબાણો સામે ભવિષ્યમાં પણ આવી ઝુંબેશો નિયમિતપણે ચાલુ રહેશે. જાહેર હિત અને વિકાસકાર્યો માટે જરૂરી જમીન સુરક્ષિત રહે તે માટે તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે અને જ્યાં પણ અનધિકૃત કબજાની માહિતી મળશે ત્યાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

કચ્છમાં હાથ ધરાયેલી આ વ્યાપક કામગીરીને સરકારી મિલકતોના સંરક્ષણ માટેના મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહી છે. તંત્રની આ સખત કાર્યવાહીએ ગેરકાયદેસર દબાણ કરનારાઓમાં ચેતવણીનો સંદેશ પહોંચાડ્યો છે અને સરકારી જમીનના સંરક્ષણ માટે સરકારની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બનાવી છે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande