
કચ્છ, 23 જૂન (હિ.સ.) પૂર્વ કચ્છમાં ચાલી રહેલા નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ કેમ્પેઈન અંતર્ગત સામખીયારી પોલીસે માદક પદાર્થોના ગેરકાયદે વેપાર સામે આજે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી રહેલા વિશેષ અભિયાન દરમિયાન પોલીસે હેરોઈનના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, સામખીયારી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન વિસ્તારમાં સતર્ક નજર રાખી રહ્યો હતો. તે દરમિયાન પોલીસને ખાનગી સૂત્રો મારફતે ચોક્કસ બાતમી મળી હતી કે, પંજાબના બે વ્યક્તિઓ સામખીયારીના સ્મશાન બ્રિજ તરફથી ટોલ પ્લાઝા નજીકના સર્વિસ રોડ તરફ પગપાળા પસાર થવાના છે અને તેમની પાસે પ્રતિબંધિત માદક પદાર્થ હોવાની શક્યતા છે.
બાતમીના આધારે પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સરકારી પંચોની હાજરીમાં ગોઠવાયેલા વોચ અને રેડ દરમિયાન પોલીસને બાતમી મુજબના બંને શખ્સો મળી આવ્યા હતા. તેમની તપાસ કરતાં તેમની પાસે રહેલા અથાણાના ડબ્બામાંથી હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 22.280 ગ્રામ હેરોઈન કબજે કર્યું છે, જેની અંદાજિત કિંમત રૂ. 4.45 લાખથી વધુ હોવાનું જાણવા મળ્યું છે.
આ કેસમાં ઝડપાયેલા આરોપીઓની ઓળખ દલીપસિંઘ રસલસિંઘ અને અક્ષય અશોક શર્મા તરીકે થઈ છે. બંને પંજાબ રાજ્યના પઠાનકોટ જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેમની પાસેથી બે મોબાઈલ ફોન, રોકડ રકમ, ઓળખપત્રો તેમજ રેલવે ટિકિટો સહિત કુલ રૂ. 4.58 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પ્રાથમિક તપાસમાં આરોપીઓના માદક પદાર્થોના નેટવર્ક સાથે સંભવિત સંબંધો અંગે માહિતી મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. પોલીસે બંને વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ડ્રગ્સ વિરોધી અભિયાનને કારણે જિલ્લામાં માદક પદાર્થોના ગેરકાયદે કારોબાર પર સતત લગામ કસાઈ રહી હોવાનું પોલીસ વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar