મુન્દ્રામાં શાળા પ્રવેશોત્સવનો ઉમંગ: 187 બાળકોના શિક્ષણયાત્રાનો શુભ પ્રારંભ, શિક્ષણને જનઆંદોલન બનાવવાનો સંદેશ
કચ્છ,23 જૂન (હિ.સ.) આજે મુન્દ્રામાં શાળા પ્રવેશોત્સવનો ઉમંગ છવાયો હતો. 187 જેટલા બાળકોના શિક્ષણયાત્રાનો શુભ પ્રારંભ કરાવીને શિક્ષણને જનઆંદોલન બનાવવાનો સંદેશ પાઠવવામાં આવ્યો છે. મુન્દ્રા તાલુકામાં રાજ્ય સરકારના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશો
મુન્દ્રા તાલુકામાં શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમની તસવીરો


મુન્દ્રા તાલુકામાં શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમની તસવીરો


કચ્છ,23 જૂન (હિ.સ.) આજે મુન્દ્રામાં શાળા પ્રવેશોત્સવનો ઉમંગ છવાયો હતો. 187 જેટલા બાળકોના શિક્ષણયાત્રાનો શુભ પ્રારંભ કરાવીને શિક્ષણને જનઆંદોલન બનાવવાનો સંદેશ પાઠવવામાં આવ્યો છે. મુન્દ્રા તાલુકામાં રાજ્ય સરકારના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને બાળકોના સર્વાંગી વિકાસના સંકલ્પ સાથે આજે શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર શરૂઆત કરવામાં આવી. કાર્યક્રમના પ્રથમ દિવસે જીએસડીએમએના એડિશનલ સીઈઓ ધવલ પંડ્યાની ઉપસ્થિતિમાં અનેક બાળકોને શાળામાં આવકારી તેમની શૈક્ષણિક યાત્રાનો શુભ પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

ત્રણ દિવસ સુધી ચાલનારા આ અભિયાન હેઠળ મુન્દ્રા તાલુકાના વિવિધ ગામોની શાળાઓમાં બાલવાટિકા, ધોરણ-1, ધોરણ-9 અને ધોરણ-11 માં પ્રવેશ મેળવવા પાત્ર બાળકો અને વિદ્યાર્થીઓને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રથમ દિવસે ટૂંડા, મોટા કાંડાગરા અને મોટી ખાખર ગામની શાળાઓમાં યોજાયેલા કાર્યક્રમોમાં આશરે ૧૮૭ બાળકોને નવા પ્રવેશ આપવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન ધવલ પંડ્યાએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે, શિક્ષણ માત્ર શાળાની નહીં પરંતુ સમગ્ર સમાજની જવાબદારી છે. દરેક બાળક નિયમિત રીતે શાળામાં આવે અને ગુણવત્તાસભર શિક્ષણ મેળવે તે માટે વાલીઓ, શિક્ષકો અને સમાજના તમામ વર્ગોએ મળીને કાર્ય કરવું જરૂરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, શાળા પ્રવેશોત્સવનો મૂળ હેતુ શિક્ષણનો વ્યાપ વધારવાનો અને કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેની ખાતરી કરવાનો છે.

તેમણે રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે થયેલી પ્રગતિનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, છેલ્લા બે દાયકામાં શિક્ષણ પ્રત્યે લોકોમાં નોંધપાત્ર જાગૃતિ આવી છે. વર્ષ 2002 દરમિયાન રાજ્યમાં શાળા છોડનાર વિદ્યાર્થીઓનો દર 38 ટકા જેટલો હતો, જે સતત પ્રયાસો અને વિવિધ શૈક્ષણિક પહેલોના પરિણામે હવે બે ટકાથી પણ ઓછો થયો છે. આ પરિવર્તન શિક્ષણ પ્રત્યે સરકાર અને સમાજના સંયુક્ત પ્રયાસોની સફળતા દર્શાવે છે.

પ્રવેશોત્સવ દરમિયાન બાળકોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળામાં પ્રથમવાર પગ મૂકતા બાળકોના ચહેરા પર ખુશી અને ઉત્સાહ સ્પષ્ટપણે ઝળકી રહ્યો હતો. વાલીઓએ પણ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણના મહત્વને સ્વીકારી કાર્યક્રમમાં સક્રિય ભાગ લીધો હતો.

કાર્યક્રમનો એક મહત્વપૂર્ણ ભાગ તરીકે શાળાઓની ગુણવત્તા અને સુવિધાઓ અંગે ચર્ચા કરવા માટે શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) અને શાળા વિકાસ વ્યવસ્થાપન સમિતિ (SMDC)ના સભ્યો સાથે વિશેષ બેઠક યોજવામાં આવી હતી. બેઠક દરમિયાન શાળાઓમાં વીજળી, પીવાનું પાણી, માળખાકીય સુવિધાઓ અને શિક્ષણને વધુ અસરકારક બનાવવા સંબંધિત મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત પ્રતિનિધિઓ દ્વારા રજૂ થયેલા પ્રશ્નો અને સૂચનોને ગંભીરતાથી સાંભળીને સંબંધિત વિભાગો સુધી પહોંચાડવાની ખાતરી આપવામાં આવી હતી.

શૈક્ષણિક જાગૃતિ સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો સંદેશ પણ કાર્યક્રમમાં આપવામાં આવ્યો હતો. પ્રવેશોત્સવના અંતે મહાનુભાવો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ મળીને વૃક્ષારોપણ કર્યું હતું. આ પહેલ દ્વારા બાળકોમાં પર્યાવરણ સંરક્ષણ અને કુદરત પ્રત્યેની સંવેદનશીલતા વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વિવિધ ગામોના સરપંચો, મામલતદાર (ડિઝાસ્ટર) પી. કે. ચૌધરી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી રવિ સોલંકી, બીઆરસી કો-ઓર્ડિનેટર સમીરચંદારાણા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, વાલીઓ અને શાળા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ શિક્ષણને લોકચળવળ બનાવવાના સંકલ્પ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande