

કચ્છ, 23 જૂન (હિ.સ.) ગાંધીધામ તાલુકાના શિણાય ગામમાં સરકારી જમીન પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી હતી. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન અને પ્રાંત અધિકારી અંજારની દેખરેખ હેઠળ મામલતદાર ગાંધીધામની ટીમે પોલીસના સહયોગથી વિશેષ દબાણ હટાવ અભિયાન ચલાવ્યું હતું.
આ કામગીરી દરમિયાન શિણાય ગામની સરકારી ટ્રાવર્સની જમીન પર વર્ષોથી કરવામાં આવેલા અનધિકૃત કબજાઓ દૂર કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ટ્રાવર્સ સર્વે નંબર 496ની અંદાજે 6500 ચોરસ મીટર જમીન પર કેટલાક વ્યક્તિઓ દ્વારા કાચા તેમજ પાકા મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત જમીનની આસપાસ દિવાલ ઊભી કરીને સરકારી જમીનને ખાનગી માલિકી તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહી હતી. આ વિસ્તારમાં રહેણાંક અને વેપારી હેતુઓ માટે કરવામાં આવેલા તમામ ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.
અભિયાન દરમિયાન તંત્રએ મકાનો, દીવાલો અને અન્ય અનધિકૃત માળખાં તોડી જમીનને સંપૂર્ણપણે દબાણમુક્ત બનાવી હતી. કાર્યવાહી દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો જેથી સમગ્ર કામગીરી શાંતિપૂર્ણ અને સુચારુ રીતે પૂર્ણ થઈ શકે.
તંત્રના જણાવ્યા અનુસાર દબાણમુક્ત કરાવવામાં આવેલી જમીનનો વિસ્તાર અંદાજે 6500 ચોરસ મીટર જેટલો છે. સરકારી જંત્રી મુજબ આ જમીનની કિંમત આશરે રૂ. 72 લાખ જેટલી થાય છે. લાંબા સમયથી સરકારી મિલકત પર થયેલા ગેરકાયદેસર કબજાઓ દૂર થતાં આ કિંમતી જમીન ફરીથી સરકારના કબજામાં આવી છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સરકારી જમીનો પરના ગેરકાયદેસર દબાણો સામે આવનારા સમયમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે અને જાહેર મિલકતોને સુરક્ષિત રાખવા માટે નિયમિત ચકાસણીઓ હાથ ધરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar