
નવી દિલ્હી, 23 જૂન (હિ.સ.) છત્તીસગઢના મહાસમુંદ જિલ્લામાં સરાયપાલી ક્ષેત્રના બલૌદા બેલમુંડી ડાયમંડ બ્લોકમાં કરાયેલા વૈજ્ઞાનિક અન્વેષણ દરમિયાન પાંચ ઉચ્ચ ગુણવત્તાના હીરા પ્રાપ્ત થયા છે, જેમનું કુલ વજન લગભગ 1.22 કેરેટ છે.
રાષ્ટ્રીય ખનિજ વિકાસ નિગમ (એનએમડીસી) અને છત્તીસગઢ ખનિજ વિકાસ નિગમ (સીએમડીસી)ની સંયુક્ત કંપની એનએમડીસી-સીએમડીસી લિમિટેડે સોમવારે મોડી સાંજે આ શોધની સત્તાવાર પુષ્ટિ કરી હતી.
કંપનીએ જણાવ્યું છે કે, બલૌદા બેલમુંડી ડાયમંડ બ્લોકમાં 200 ટન ખનિજ સામગ્રીની પ્રોસેસિંગથી પાંચ હીરા પ્રાપ્ત થયા છે. આ હીરાઓનું કુલ વજન 1.22 કેરેટ છે. નિષ્ણાતો તેને મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાવી રહ્યા છે, કારણ કે આથી વિસ્તારમાં હીરાના મોટા ભંડાર મળવાની શક્યતાઓ વધુ મજબૂત થઈ છે.
કંપની મુજબ, વિસ્તારમાં સ્ટ્રીમ સેડિમેન્ટ સેમ્પલિંગ, જીઓફિઝિકલ સર્વે અને 500 મીટર ઊંડી એક્સપ્લોરેટરી ડ્રિલિંગ બાદ સંભવિત હીરા ક્ષેત્રની ઓળખ કરવામાં આવી હતી. તેના આધારે 200 ટન સામગ્રી મધ્યપ્રદેશના પન્ના સ્થિત ડાયમંડ પ્રોસેસિંગ પ્લાન્ટમાં મોકલવામાં આવી હતી, જ્યાં તપાસ દરમિયાન પાંચ હીરા પ્રાપ્ત થયા. કંપનીએ 22 જૂને જારી કરેલા સત્તાવાર પત્રમાં તેની પુષ્ટિ કરી છે.
પત્રમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, એનએમડીસી-સીએમડીસી લિમિટેડ પાસે હીરાઓને સુરક્ષિત રાખવાની વ્યવસ્થા નથી, તેથી તમામ 5 હીરાઓને એનએમડીસીના પન્ના સ્થિત સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત જમા કરવામાં આવ્યા છે.
કંપની મુજબ આ પાંચ હીરાઓમાં બે જેમ ક્વોલિટીના સફેદ હીરા સામેલ છે, જેમનું વજન 0.19 અને 0.06 કેરેટ છે અને જે સામાન્ય હીરાઓ કરતાં ઘણાં ઉત્તમ છે. ઉપરાંત, એક પીળા રંગનો હીરો 0.32 કેરેટ અને બે ભૂખરા રંગના હીરા 0.59 અને 0.06 કેરેટ વજનના મળ્યા છે. ખનિજ નિષ્ણાતોનું કહેવું છે કે પ્રારંભિક તબક્કામાં જેમ ક્વોલિટીના હીરા મળવું અત્યંત સકારાત્મક સંકેત છે અને તે વિસ્તારમાં આગળ મોટા પાયે હીરા ભંડારની શક્યતા દર્શાવે છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ શોધ આવનારા વર્ષોમાં છત્તીસગઢને દેશના મુખ્ય હીરા ઉત્પાદક રાજ્યોની શ્રેણીમાં સ્થાપિત કરી શકે છે.
જેમ ક્વોલિટી હીરા સૌથી સારી ગુણવત્તાના હોય છે. તેનો ઉપયોગ આભૂષણ બનાવવા માટે થાય છે અને તેની કિંમત ઘણી વધારે હોય છે. તેમાં સારી ચમક, પારદર્શિતા અને ઉત્તમ રંગ હોય છે. નોન-જેમ હીરા ઔદ્યોગિક કામો (જેમ કે કટીંગ ટૂલ્સ) માટે હોય છે.
નિષ્ણાતોનું માનવું છે કે કોઈપણ નવા હીરા ક્ષેત્રની ઓળખ નાના નમૂનાઓથી જ શરૂ થાય છે. તેથી પાંચ હીરાની આ પ્રાપ્તિ સંખ્યાની દૃષ્ટિએ ભલે નાની લાગે, પરંતુ ભૂ-વૈજ્ઞાનિક દૃષ્ટિએ તેનું મહત્વ ઘણું મોટું છે. આથી ભવિષ્યમાં વધુ વિસ્તૃત સર્વેક્ષણ તથા સંભવિત વ્યાવસાયિક ખનનનો માર્ગ ખુલી શકે છે.
ભારત દુનિયાનું સૌથી મોટું હીરા કટીંગ અને પોલિશિંગ હબ છે, પરંતુ કાચા હીરાઓ માટે હજી પણ ભારે આયાત પર નિર્ભર છે. છત્તીસગઢમાં આવી શોધ આત્મનિર્ભર ભારતના લક્ષ્યને નવી ગતિ આપી શકે છે. સફળ વ્યાવસાયિક ખનન શરૂ થવાથી રાજ્યમાં રોકાણ, રોજગાર અને રાજસ્વમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે.
મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાયે આ ઉપલબ્ધિ પર કહ્યું કે, મહાસમુંદમાં હીરાની પ્રાપ્તિ છત્તીસગઢ માટે એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે. આ શોધ રાજ્યની સમૃદ્ધ ખનિજ સંપદાને રેખાંકિત કરે છે અને વિકાસ, રોકાણ તથા રોજગારની નવી શક્યતાઓના દ્વાર ખોલે છે.
હિન્દુસ્થાન સમાચાર / સચિન બુધોલિયા / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ