
મહેસાણા, 23 જૂન (હિ.સ.) ઊંઝા પોલીસે પ્રોહિબિશન વિરોધી કાર્યવાહી દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના મોટા જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડી કુલ ₹10.68 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઊંઝા પોલીસ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ અને દેખરેખ રાખવામાં આવી રહી હતી. દરમિયાન સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે બ્રાહ્મણવાડા અજ્ઞાસાપરા વિસ્તારમાં ભોજનાલય પાસે દરોડો પાડવામાં આવ્યો હતો.
પોલીસે સફેદ રંગની ક્રેટા કાર ની તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ 1913 બોટલ અને ટીન મળી આવી હતી. કુલ 463.9 લીટર દારૂની કિંમત ₹2.63 લાખ હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત ₹8 લાખ કિંમતની કાર અને ₹5,000 કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ ₹10,68,451નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ કેસમાં વિજયસિંહ જ્યંતિજી ઝાલા અને શ્રીરામ ગેવરચંદ બિશ્નોઇની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ધનાજી ઉર્ફે દિલીપજી ઠાકોર નામનો એક આરોપી હજુ ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે.પોલીસે આરોપીઓ સામે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR