
મહેસાણા, 23 જૂન (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના વડનગર ખાતે ચાલી રહેલા હેરિટેજ પ્રિસિંક્ટ ડેવલપમેન્ટ અને ફસાડ રિસ્ટોરેશન પ્રોજેક્ટની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી હતી. રાજ્ય સરકારની ‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ હેઠળ અમલમાં મુકાયેલા આ પાયલોટ પ્રોજેક્ટ દ્વારા વડનગરની ઐતિહાસિક ઇમારતો અને શેરીઓને તેના મૂળ વૈભવ સાથે પુનઃસ્થાપિત કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રીએ પ્રોજેક્ટના વિવિધ વિસ્તારોનું નિરીક્ષણ કરીને કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વડનગરની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતનું સંરક્ષણ કરીને તેને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવવાનો રાજ્ય સરકારનો પ્રયાસ છે.
પ્રોજેક્ટ અંતર્ગત હેરિટેજ મૂલ્ય ધરાવતી ખાનગી મિલકતો અને રહેણાંક મકાનોનું પરંપરાગત સ્થાપત્ય શૈલી મુજબ વૈજ્ઞાનિક રીતે રિસ્ટોરેશન કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક સામગ્રી અને કારીગરોને પ્રાધાન્ય આપીને પ્રાચીન કોતરણી અને બાંધકામની વિશેષતાઓ જાળવવામાં આવી રહી છે.
જનભાગીદારી આધારિત આ યોજનામાં કુલ ખર્ચના 80 ટકા સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે, જ્યારે 20 ટકા ફાળો મિલકતધારકો આપે છે. અત્યાર સુધી 55 ઐતિહાસિક ઇમારતોનું રિસ્ટોરેશન પૂર્ણ થયું છે, જ્યારે 52 ઇમારતો પર કામગીરી ચાલુ છે.
પ્રેરણા સ્કૂલ, કીર્તિ તોરણ, પથ્થરની હવેલી અને શર્મિષ્ઠા તળાવ વિસ્તારને આવરી લેતો આ પ્રોજેક્ટ વડનગરના હેરિટેજને નવી ઓળખ આપશે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR