
મહેસાણ, 23 જૂન (હિ.સ.) મહેસાણા પેરોલ-ફર્લો સ્કોડે ઉંઝા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીની સફળતાપૂર્વક ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ ઉંઝા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં વોન્ટેડ આરોપી પટણી સેધાભાઈ ઉર્ફે કાળુ ઇશ્વરભાઈ શંકરભાઈ રહે. ઉંઝા, છેલ્લા એક વર્ષથી ફરાર હતો. પેરોલ-ફર્લો સ્કોડને ટેક્નિકલ અને હ્યુમન સોર્સ મારફતે માહિતી મળી હતી કે આરોપી શોભાસણ ગામની સીમમાં આવેલી એક કપ-રકાબી બનાવતી કંપનીમાં નોકરી કરી રહ્યો છે.
માહિતીના આધારે સ્કોડની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપીની ઓળખ પુષ્ટિ થતાં તેને કાયદેસરની કાર્યવાહી હેઠળ ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન ભોગ બનનાર મહિલા અને બાળક પણ મળી આવ્યા હતા.
આરોપીને કબજામાં લઈને વધુ કાર્યવાહી માટે ઉંઝા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. સમગ્ર કામગીરીમાં PSI કે.જી. ચૌધરી, ASI ચેતનકુમાર નટવરલાલ, HC પ્રકાશકુમાર વિરસંગભાઈ અને PC સંજય લાખાભાઈએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR