
મહેસાણા, 23 જૂન (હિ.સ.) મહેસાણા જિલ્લામાં પૂર્ણા યોજના અંતર્ગત આંગણવાડીમાં નોંધાયેલ કિશોરીઓ માટે પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન કિશોરીઓને યોગ કરાવવામાં આવ્યો હતો તેમજ તેમના સર્વાંગી વિકાસ માટે વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કિશોરીઓને યોગના મહત્વ અને તેના સ્વાસ્થ્યલક્ષી લાભોની માહિતી આપવામાં આવી હતી. નિયમિત યોગ દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધારી શકાય છે તેમજ તંદુરસ્ત જીવનશૈલી અપનાવી શકાય છે તે અંગે સમજણ આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન પૂર્ણાશક્તિ યોજના અંગે માહિતી આપી કિશોરીઓને પોષણ અને આરોગ્ય પ્રત્યે જાગૃત કરવામાં આવી હતી. ઉપરાંત આયર્નની ઉણપ દૂર કરવા માટે આપવામાં આવતી IFA ગોળીઓના મહત્વ વિશે પણ માર્ગદર્શન અપાયું હતું. કિશોરીઓને શિક્ષણનું મહત્વ સમજાવી ITI સહિત વિવિધ કારકિર્દી વિકલ્પોની જાણકારી આપવામાં આવી હતી.
શાળા છોડનારી કિશોરીઓને પુનઃ શિક્ષણ સાથે જોડાવવા માટે શાળા પુનઃપ્રવેશ અંગે પણ પ્રેરણા આપવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કિશોરીઓમાં આત્મવિશ્વાસ વધારવાનો, આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો અને શિક્ષણ દ્વારા તેમને સશક્ત બનાવવાનો હતો.
જિલ્લાભરની વિવિધ આંગણવાડીઓમાં યોજાયેલા આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં કિશોરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR