
પોરબંદર, 23 જૂન (હિ.સ.)પોરબંદર શહેરની ભાગોળે આવેલા કર્લી જળાશયમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગાંડીવેલનું પ્રભુત્વ સતત વધી રહ્યું હતું. જળાશયના મોટા ભાગના વિસ્તારમાં ગાંડીવેલ ફેલાઈ જતાં પાણીના સંગ્રહ, કુદરતી પર્યાવરણ અને જળાશયની સૌંદર્યતા પર માઠી અસર પડી રહી હતી. ગાંડીવેલના વધતા પ્રકોપને કારણે સ્થાનિક નાગરિકો તેમજ પર્યાવરણપ્રેમીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો હતો.જોકે મનપા એ ગાંડી વેલ દુર કરવા માટેના પ્રયાસ શરૂ કર્યા હોવાનુ જાણાવા મળી રહ્યુ છે ગાંડીવેલ એક એવી વનસ્પતિ છે જે ખૂબ ઝડપથી ફેલાઈને અન્ય વનસ્પતિ અને જળસ્ત્રોતો પર પ્રતિકૂળ અસર કરે છે.કર્લી જળાશયમાં તેનું પ્રમાણ વધતાં પાણીના પ્રવાહમાં અવરોધ ઊભો થઈ રહ્યો હતો. ઉપરાંત ગાંડીવેલ વધુ માત્રામાં પાણી શોષી લેતી હોવાથી જળાશયની જળસંગ્રહ ક્ષમતા પર પણ અસર થતી હોવાનું નિષ્ણાતોનું માનવું છે. તેના કારણે ભૂગર્ભજળના સ્તર પર પણ લાંબા ગાળે નકારાત્મક અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી હતી. આ સમસ્યાને લઈને પર્યાવરણપ્રેમીઓ, સામાજિક આગેવાનો અને જાગૃત નાગરિકો દ્વારા અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી.
કર્લી જળાશયને ગાંડીવેલમુક્ત બનાવવા માટે યોગ્ય પગલાં ભરવાની માંગણી વારંવાર ઉઠાવવામાં આવી હતી. જોકે જવાબદાર વિભાગો દ્વારા અપેક્ષિત ગતિએ કામગીરી ન થતાં સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો હતો. ખાસ કરીને ક્ષાર અંકુશ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા હતા.
અંતે પોરબંદર મહાનગરપાલિકાએ આ મુદ્દે ગંભીરતા દાખવી ગાંડીવેલ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. સ્થાનિક કક્ષાએથી મશીનરી અને માનવબળની મદદથી જળાશયમાં ફેલાયેલી ગાંડીવેલને દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તબક્કાવાર રીતે સમગ્ર વિસ્તારને ગાંડીવેલમુક્ત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક નાગરિકો અને પર્યાવરણપ્રેમીઓએ મનપાની આ કામગીરીને આવકારી છે. કર્લી જળાશયને ફરી સ્વચ્છ અને હરિયાળું બનાવવાની દિશામાં શરૂ કરાયેલી આ ઝુંબેશ સફળ રહેશે તો જળાશયના સંરક્ષણ સાથે ભૂગર્ભ જળના જતનમાં પણ મહત્વપૂર્ણ ફાયદો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya