
સુરત, 23 જૂન (હિ.સ.): શહેરમાં ભટાર ચાર રસ્તા પાસે સુર્યા પ્લાઝામાં આવેલ ન્યુ આદિનાથ લાઈટની માલીકે બે વેપારીઓ પાસેથી કુલ રૂપિયા 1.16 કરોડનો ઈલેકટ્રીક્સનો માલસામાન ખરીદ્યા બાદ ઉઠમણું કર્યું હતું. જો કે, પોલીસની તપાસ વચ્ચે ઉઠમણું કરનાર વેપારી તેની દુકાનમાંથી ઈલેકટ્રીક્સનો સામાન રફેદફે કરી રહ્ના હતો તે દરમિયાન પોલીસે તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
સલાબતપુરા પોલીસના જણાવ્યા મુજબ શીવ રેસીડેન્સી, શંકર નગર, તાડવાડી, રાંદેર ખાતે રહેતા ભાવેશભાઈ ભોગીલાલ શાહ (ઉ.વ.53) સલાબતપુરા, મહારાજા સિનેમાની સામે, મહારાજા કોમ્પ્લેક્ષમાં અક્ષત કેબલ ફર્મના નામથી ઈલેકટ્રોનીક્સની દુકાન ધરાવે છે. તેમની પાસેથી માર્ચ 2026 થી મે 2026 સુધીમાં ઉધના મગદલ્લા રોડ, ભટાર ચાર રસ્તા, ન્યુ વિધ્યા ભારતી સ્કુલ પાસે સુર્યા પ્લાઝામાં ન્યુ આદિનાથ લાઇટ નામે વેપાર કરતા જયેશભાઈ માંગીલાલ રાકા (રહે,પાલ્મ એવન્યુ, વેસુ)એ અલગ અલગ બીલ ચલણથી કુલ રૂપિયા 1,03,51,023ના મત્તાનો ઈલેકટ્રીક્સનો સામાન ખરીદ્યો હતો. જેમાંથી ટુકડે-ટુકડે રૂપિયા 22,96,732નું પેમેન્ટ કર્યું હતું, પરંતુ ત્યારબાદ બાકી રહેલા રૂ.80,54,291ની અવાર નવાર ઉઘરાણી કરવા છતાંયે પેમેન્ટ ચુકવ્યું ન હતું જયારે ઉધના જીવન જ્યોત સિનેમા પાસે ન્યુ નાકોડા નામે ઈલેકટ્રોનીક્સની દુકાન ધરાવતા તેમના મિત્ર જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ રાજમલ કર્ણાવત પાસેથી રૂપિયા 78,86,537નો ઇલેક્ટ્રિક સામાન ખરીદ્યો હતો. જેમાંથી રૂ.36,36,186નું પેમેન્ટ આપ્યું ન હતી. આમ આરોપી જયેશ રાકાએ કુલ રૂપિયા રૂપિયા 1,16,90,477નું પેમેન્ટ નહી ચુકવી છેતરપિડી કરી હતી. ઉપરથી ભાવેશ અને જીતેન્દ્રભાઈ પેમેન્ટની ઉઘરાણી કરતા ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે ભાવેશભાઈની ફરિયાદને આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન જયેશ રાકા તેની દુકાનમાંથી ઈલેકટ્રોનીક્સનો સામાન રફેદફે કરવા માટે આવ્યો હોવાની ખબર પડતા તાબડતોડ પહોચી જયેશ રાકાને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે