
પોરબંદર, 23 જૂન (હિ.સ.) પોરબંદર મહાનગરપાલિકાના વોર્ડ નં.1 ના કોર્પોરેટર અજયએલ. બોખીરીયાએ જાહેર જીવનમાં પારદર્શિતા, નિષ્ઠા અને જનસેવાની ભાવનાને વધુ મજબૂત બનાવતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં કોર્પોરેટરો માટે મંજૂર કરાયેલા પગારભથ્થાનો સ્વૈચ્છિક રીતે ત્યાગ કરી તે રકમનો ઉપયોગ જનહિતના કાર્યોમાં કરવા તેમણે મ્યુનિસિપલ કમિશ્નરને લેખિત રજૂઆત કરી છે.
જ્યુબેલી વિસ્તાર, મહારાજબાગ રોડ ખાતે નિવાસ કરતા અજય બોખીરીયાએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે તેઓ જનપ્રતિનિધિ તરીકે લોકોની સેવા અને વિસ્તારના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. સરકારના નિયમો અનુસાર મહાનગરપાલિકાના સભ્ય તરીકે મળવાપાત્ર પગારભથ્થાનો લાભ તેઓ વ્યક્તિગત રીતે લેવા માંગતા નથી. તેના બદલે આ રકમ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત વિવિધ જનસેવાના કાર્યો, નાગરિક સુવિધાઓના વિકાસ તેમજ જાહેર હિતના પ્રકલ્પોમાં ખર્ચવામાં આવે તેવી તેમની ભાવના છે.
તેમણે મ્યુનિસિપલ કમિશ્નરને વિનંતી કરી છે કે તેમના નામે કોઈપણ પ્રકારની પગારભથ્થાની રકમ જમા કરવામાં ન આવે અને તે રકમને મહાનગરપાલિકાના જનકલ્યાણલક્ષી કાર્યોમાં ફાળવવામાં આવે. અજય બોખીરીયાનું માનવું છે કે જનપ્રતિનિધિ તરીકે મળતી જવાબદારી અને લોકોનો વિશ્વાસ જ તેમના માટે સૌથી મોટું સન્માન છે.
આ નિર્ણય પાછળની ભાવના અંગે અજયભાઈ બોખીરીયાએ જણાવ્યું હતું કે, “લોકોએ મારા પર વિશ્વાસ મૂકી સેવા કરવાની તક આપી છે. તેથી જાહેર નાણાંનો મહત્તમ ઉપયોગ લોકોના હિતમાં થાય તે વધુ જરૂરી છે. મારા હિસ્સાનું પગારભથ્થું પણ શહેરના વિકાસ અને જનસેવાના કાર્યોમાં ઉપયોગી બને તે જ મારી ઇચ્છા છે.” અજય બોખીરીયાના આ નિર્ણયને વોર્ડ નં.1 ના અગ્રણીઓ, સામાજિક કાર્યકરો, સ્થાનિક નાગરિકો તેમજ મહાનગરપાલિકાના અન્ય કોર્પોરેટર મિત્રોએ પણ વધાવી લીધો છે. અનેક લોકોએ આ નિર્ણયને જનપ્રતિનિધિઓ માટે પ્રેરણારૂપ ગણાવ્યો છે અને જાહેર જીવનમાં સેવાભાવને પ્રોત્સાહન આપતો મહત્વપૂર્ણ સંદેશ હોવાનું જણાવ્યું છે. જનહિતને સર્વોપરી માનતા અને જાહેર નાણાંના સદુપયોગ માટે લેવામાં આવેલ અજય બોખીરીયાનો આ નિર્ણય સરાહનિય બન્યો છે તથા લોકસેવાના ક્ષેત્રે એક સકારાત્મક ઉદાહરણ તરીકે જોવામાં આવી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya