પ્રભારી સચિવ આદ્રા અગ્રવાલના અધ્યક્ષસ્થાને રિવ્યૂ મિટિંગ યોજાઈ
નવસારી, 23 જૂન (હિ.સ.) જિલ્લાના પ્રભારી સચિવ આદ્રા અગ્રવાલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે તમામ વિભાગોના સંકલન અધિકારીઓની એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. ત્રિ-દિવસીય ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની મુલાકાતે આવેલા પ્રભારી સચિવએ આ
Navsari


નવસારી, 23 જૂન (હિ.સ.) જિલ્લાના પ્રભારી સચિવ આદ્રા અગ્રવાલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે તમામ વિભાગોના સંકલન અધિકારીઓની એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. ત્રિ-દિવસીય ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની મુલાકાતે આવેલા પ્રભારી સચિવએ આ બેઠકમાં જિલ્લાના પ્રાથમિક શિક્ષણમાં ડ્રોપ-આઉટ રેશિયો ઘટાડવા તેમજ નવસારી-વિજલપોર મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલા વિવિધ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ, સિટી સિવિક સેન્ટર, અધ્યતન વેજિટેબલ માર્કેટ, ટાઉન હોલ અને સ્માર્ટ આંગણવાડીઓ સહિતના શહેરી વિકાસના કામોની વિસ્તૃત સમીક્ષા કરી હતી.

ઉપરાંત આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને જિલ્લામાં પ્રી-મોન્સૂન કામગીરી, અતિવૃષ્ટિ પ્રભાવિત ગામોની આપત્તિ વ્યવસ્થાપન તૈયારીઓ, ડ્રેનેજ-પાણીની વ્યવસ્થા અને પૂર નિયંત્રણ માટે પ્રોટેક્શન વોલની સ્થિતિ અંગે સંબંધિત અધિકારીઓ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, માર્ગ અને મકાન વિભાગ (R&B) હસ્તકના મેજર બ્રિજ ની પ્રગતિ, જિલ્લાના નાના મોટા 169 માર્ગોનું નેટવર્કની સ્થિતિ, ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાનું નિવારણ, તળાવોનું બ્યુટિફિકેશન, એર ક્વોલિટી મોનિટરિંગ અને ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા નેશનલ હાઈવે પર અકસ્માતથી થતા મોતના કિસ્સા ઘટાડવા તેમજ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ ગહન ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર મનીષ ગુરુવાની, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, નિવાસી અધિક કલેક્ટર અને પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રભારી સચિવએ તમામ વિકાસકામો સમયમર્યાદામાં ગુણવત્તાસભર પૂર્ણ કરવા જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande