
બોટાદ, 23 જૂન (હિ.સ.) વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે મંગળવાર, 23 જૂન 2026ના રોજ દાદાનો અતિ મનમોહક અને ભક્તિમય શણગાર કરવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત આ પવિત્ર ધામમાં દર મંગળવારે વિશેષ શણગાર અને આરાધનાનું આયોજન કરવામાં આવે છે, જેમાં આજે મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.
આ પ્રસંગે કષ્ટભંજન દાદાને મોરની આકૃતિ અને આકર્ષક જરદોશી વર્કથી સુશોભિત વિશેષ વાઘા અર્પણ કરવામાં આવ્યા હતા. દાદાના દિવ્ય સ્વરૂપે ભક્તોમાં વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. વહેલી સવારે 5:30 કલાકે મંગળા આરતી અને સવારે 7:00 કલાકે શણગાર આરતી મંદિરના પૂજારી સ્વામીના હસ્તે સંપન્ન કરવામાં આવી હતી. આરતી દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.
દાદાના સિંહાસનને રંગબેરંગી ગુલાબ, ઓર્કિડ અને લિલી જેવા સુગંધિત ફૂલોના મનોહર શણગારથી સજાવવામાં આવ્યું હતું. ફૂલોની સુંદર સજાવટે સમગ્ર મંદિરને અલૌકિક સૌંદર્ય પ્રદાન કર્યું હતું. દાદાના ચરણોમાં કાજુ, બદામ, અખરોટ, પિસ્તા, કિસમિસ અને અંજીર સહિત વિવિધ પ્રકારના ડ્રાયફ્રૂટ્સનો ભવ્ય અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો, જે દર્શનાર્થીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
આ દિવ્ય શણગાર અને અન્નકૂટના દર્શન માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી હરિભક્તો મોટી સંખ્યામાં સાળંગપુર ધામ પહોંચ્યા હતા. ઉપરાંત અનેક શ્રદ્ધાળુઓએ ઓનલાઈન દર્શનનો પણ લાભ લીધો હતો. દાદાના આકર્ષક શણગાર, સુગંધિત ફૂલોની સજાવટ અને ભવ્ય ડ્રાયફ્રૂટ અન્નકૂટના દર્શન કરી ભક્તોએ આધ્યાત્મિક આનંદ અને ધન્યતાની અનુભૂતિ કરી હતી. સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA