ઈશ્વરિયા ગામે ઉત્સાહભેર યોજાયો શાળા પ્રવેશોત્સવ, નવા વિદ્યાર્થીઓનું કરાયું સ્વાગત
ભાવનગર, 23 જૂન (હિ.સ.) ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાયુક્ત અને સર્વસમાવેશક શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે રાજ્યભરમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે સિહોર તાલુકાના
શાળા પ્રવેશ ઉત્સવ માં બાળકોનું સ્વાગત કરવામાં આવ્યું


ભાવનગર, 23 જૂન (હિ.સ.) ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાયુક્ત અને સર્વસમાવેશક શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે રાજ્યભરમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો.

કાર્યક્રમમાં સિહોરના મામલતદાર સતીશ જાંબુચા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું તિલક કરી, ફૂલહાર પહેરાવી અને શૈક્ષણિક કિટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે શિક્ષણ જ બાળકોના ઉજ્જવળ ભવિષ્યનું પાયાનું સાધન છે અને દરેક બાળકને શિક્ષણ સાથે જોડાવું જરૂરી છે.

ઈશ્વરિયા ગામની પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રાથમિક શાળાના આચાર્ય કિશોર પટેલ અને માધ્યમિક શાળાના આચાર્ય ચિંતન ત્રિવેદીના સંકલનથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકરો, શિક્ષકગણ, વાલીઓ, ગામના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે હેમાબેન દવે દ્વારા વિદ્યાર્થીઓને ઉપયોગી ભેટો અર્પણ કરવામાં આવી હતી, જેને બાળકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થી બાળકો દ્વારા સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. બાળકોની આત્મવિશ્વાસભરી રજૂઆતોને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બિરદાવવામાં આવી હતી.

શાળા પ્રવેશોત્સવના આ આયોજનથી ગામમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિનો સંદેશ પ્રસરી રહ્યો છે અને વધુમાં વધુ બાળકોને શિક્ષણ સાથે જોડવા માટેનો સરકારનો સંકલ્પ વધુ મજબૂત બન્યો છે. સમગ્ર કાર્યક્રમ આનંદમય અને પ્રેરણાદાયી વાતાવરણમાં પૂર્ણ થયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande