
રાજપીપળા,23 જૂન (હિ.સ.) રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલા શાળા પ્રવેશોત્સવ અંતર્ગત નર્મદા જિલ્લાના મોટા રાયપરા ગામે જિલ્લા કલેક્ટર ગંગા સિંઘની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ-2026ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ ‘બેટી બચાવો-બેટી પઢવો’ અભિયાન, પર્યાવરણ સંરક્ષણ અને જીવનમાં વૃક્ષોના મહત્વ અંગે પ્રેરણાદાયી રજૂઆતો કરી હતી, જેને ઉપસ્થિતોએ બિરદાવી હતી.
શાળા પ્રવેશોત્સવ અંતર્ગત નવા પ્રવેશ મેળવનાર બાળકોને જિલ્લા કલેક્ટરના હસ્તે સ્કૂલ બેગ અર્પણ કરી, મોં મીઠું કરાવી અને શુભેચ્છાઓ સાથે શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો.
આ ઉપરાંત શૈક્ષણિક, સાંસ્કૃતિક તથા વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી આરોગ્ય તપાસણીના અનુસંધાને વિદ્યાર્થીઓને આરોગ્ય કાર્ડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેક્ટર ગંગા સિંઘે શાળા પ્રવેશોત્સવનું મહત્વ સમજાવી શિક્ષણ વ્યક્તિના સર્વાંગી વિકાસનું મજબૂત સાધન છે અને શિક્ષિત સમાજ જ વિકસિત રાષ્ટ્રના નિર્માણનો પાયો બને છે તેમ કહી વાલીઓ અને ગ્રામજનોને દરેક બાળકને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે માટે સતત જાગૃત અને સહભાગી રહેવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમના સ્થળે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, ગ્રામજનો, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ