બાળકના સર્વાંગી વિકાસમાં વાલીઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ : નાયબ મુખ્ય દંડક વિજય પટેલ
રાજપીપળા,23 જૂન (હિ.સ.) સમગ્ર ગુજરાત રાજ્યની સાથે નર્મદા જિલ્લામાં પણ ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલની ઉપસ્થિતિમાં ગરૂડેશ્વર તાલુકાના કલીમકવ
The role of parents is very important in the overall development of a child


રાજપીપળા,23 જૂન (હિ.સ.) સમગ્ર ગુજરાત રાજ્યની સાથે નર્મદા જિલ્લામાં પણ ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલની ઉપસ્થિતિમાં ગરૂડેશ્વર તાલુકાના કલીમકવાણા અને હિરાપુરા ગામે ભૂલકાંઓનો શાળા પ્રવેશ કરાવ્યો હતો.

આ અવસરે નાયબ મુખ્ય દંડક વિજય પટેલે જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ બાળકના ઉજ્જવળ ભવિષ્યની શરૂઆતનો પાવન અવસર છે. આજે જે બાળકો પ્રથમવાર શાળાના દ્વારે પ્રવેશી રહ્યા છે, તેમના જીવનનો આ દિવસ યાદગાર બની રહેવાનો છે. સમાજ અને રાષ્ટ્રના વિકાસનો પાયો શિક્ષણ છે અને શિક્ષણ દ્વારા જ સજ્જ, સક્ષમ અને સંસ્કારી નાગરિકોનું નિર્માણ શક્ય બને છે.

તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારને 12 વર્ષ પૂર્ણ થવા સાથે વિકસિત ભારત @2047 તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. ત્યારે તેઓના ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે મળેલી અમૂલ્ય ભેટરૂપ ‘શાળા પ્રવેશોત્સવ’ અભિયાન આજે સમગ્ર દેશમાં પ્રેરણારૂપ બન્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ગુણવત્તાયુક્ત શિક્ષણ, આધુનિક શૈક્ષણિક માળખું અને વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ ભૌતિક સુવિધાઓ પૂરી પાડવા માટે કટિબદ્ધ છે.

પટેલે વાલીઓને સંબોધતાં જણાવ્યું કે, બાળકના સર્વાંગી વિકાસમાં વાલીઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. બાળકોના અભ્યાસ, સંસ્કાર અને વ્યક્તિત્વ ઘડતરમાં વાલીઓએ સમય ફાળવવો જોઈએ.

બાળકોને સતત પ્રોત્સાહન આપવું, તેમની સિદ્ધિઓને બિરદાવવી અને મુશ્કેલીઓમાં તેમને માર્ગદર્શન આપવું એ દરેક વાલીની ફરજ છે.

શિક્ષકોને સંબોધતાં તેમણે કહ્યું કે, ‘ગુરુ’નું સ્થાન સમાજમાં સર્વોચ્ચ છે. શિક્ષક ક્યારેય નિવૃત્ત થતો નથી; તેના નામ સાથે ક્યારેય ‘પૂર્વ’ કે ‘માજી’ જેવા શબ્દો જોડાતા નથી. શિક્ષકનું જ્ઞાન, માર્ગદર્શન અને સંસ્કાર જીવનભર વિદ્યાર્થીઓને દિશા આપતા રહે છે.

વિદ્યાર્થીઓ અને શિક્ષક વચ્ચેનો સંબંધ અમર અને અખૂટ હોય છે. તેથી દરેક શિક્ષકે બાળકોને ઉત્તમ અને ગુણવત્તાસભર શિક્ષણ મળે, તેમના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થાય અને તેઓ સારા નાગરિક બને તે માટે હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ.

આ વેળાએ શાળામાં વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ દેખાવ કરનારા બાળકોને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

શાળાના બાળકોએ વિવિધ વિષયો પર અમૃત વચન રજૂ કર્યા હતા.

કાર્યક્રમ બાદ શાળા પરિસરમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને બાદમાં એસએમસીના સભ્યો સાથે બેઠક યોજી શાળાની પ્રવૃતિઓ અંગે વિગતવાર ચર્ચા કરી હતી.

કાર્યક્રમ દરમિયાન ગ્રામજનો, વાલીઓ અને શિક્ષકોએ બાળકોને નિયમિત શિક્ષણ અપાવવા તથા શાળામાં સકારાત્મક શૈક્ષણિક વાતાવરણ નિર્માણ કરવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો. શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ વિવિધ શૈક્ષણિક સુવિધાઓ અને સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande