



વડોદરા , 23 જૂન (હિ.સ.) વડોદરા શહેરમાં ખોરાકની ગુણવત્તા અને કાયદાકીય નિયમોના પાલનને લઈને ફૂડ સેફ્ટી વિભાગે લાલ આંખ કરી છે. તાજેતરમાં જ વડોદરાના જાણીતા તાંદલજા વિસ્તારમાં આવેલા મકરંદ દેસાઈ રોડ પર ફૂડ વિભાગ દ્વારા એક મોટી રેડ કરવામાં આવી હતી.
આ રેડ અલ મક્કા કોમ્પ્લેક્સ ખાતે આવેલી દુકાન નંબર-22માં કરવામાં આવી હતી, જ્યાં 'પીક એન્ડ ઈટ' (Pick & Eat) નામથી ફ્રોઝન નોન-વેજ ફૂડની દુકાન ચલાવવામાં આવી રહી છે.લાયસન્સ ડિસ્પ્લે ન કરવા બદલ કાર્યવાહીફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓની ટીમે જ્યારે આ દુકાનમાં અચાનક ચેકિંગ હાથ ધર્યું, ત્યારે ત્યાં ફ્રોઝન નોન-વેજ ફૂડના વેચાણ અંગેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.
આ તપાસ દરમિયાન દુકાનમાં કાયદાકીય નિયમોનો મોટો ભંગ સામે આવ્યો હતો. દુકાનદાર દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ (FSSAI) અંતર્ગત મેળવેલું જરૂરી લાયસન્સ દુકાનમાં યોગ્ય જગ્યાએ પ્રદર્શિત (ડિસ્પ્લે) કરવામાં આવ્યું ન હતું. સરકારી નિયમો અનુસાર કોઈપણ ફૂડ બિઝનેસ ઓપરેટરે પોતાનું લાયસન્સ ગ્રાહકો જોઈ શકે તે રીતે જાહેરમાં લગાવવું ફરજિયાત છે.
આ નિયમનો સરેઆમ ભંગ થતો જોઈને ફૂડ વિભાગે દુકાનદારને કડક નોટિસ ફટકારી છે.પેકેટ તોડીને છૂટક વેચાણ કરતા પકડાયાઆ ઉપરાંત, તપાસ દરમિયાન અન્ય એક ગંભીર ક્ષતિ પણ સામે આવી હતી. દુકાનદાર દ્વારા ફ્રોઝન નોન-વેજ ફૂડના પેકેટોને તોડીને, તેમાંથી સામગ્રી બહાર કાઢીને ગેરકાયદેસર રીતે છૂટક વેચાણ કરવામાં આવતું હતું. ફ્રોઝન ફૂડને આ રીતે ખુલ્લું કરીને વેચવાથી તેમાં બેક્ટેરિયા થવાનો અને ખોરાક બગડવાનો ભારે ભય રહે છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે.
આ બાબતને ગંભીરતાથી લઈને ફૂડ વિભાગે પેકેટ તોડીને છૂટક વેચાણ ન કરવા અંગે દુકાનદારને કડક સૂચના આપી છે અને તેની સામે પણ કાયદેસરની નોટિસ ઈશ્યૂ કરી છે. આગામી સમયમાં જો આ નિયમોનું પાલન નહીં થાય તો દુકાન સીલ કરવા સુધીના પગલાં લેવાઈ શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ