ઘોઘાના કુડા ગામેથી રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકીએ કરાવ્યો શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ
ભાવનગર,23 જૂન (હિ.સ.) સમગ્ર ગુજરાતની સાથે ભાવનગર જિલ્લામાં પણ ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2026 નો ઉત્સાહભેર પ્રારંભ થયો હતો. આ અંતર્ગત ઘોઘા તાલુકાના કુડા ગામની પ્રાથમિક શાળામાં મત્સ્યોદ્યોગ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પર
બાળકોને પ્રવેશ કરાવતા મંત્રી


ભાવનગર,23 જૂન (હિ.સ.) સમગ્ર ગુજરાતની સાથે ભાવનગર જિલ્લામાં પણ ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2026 નો ઉત્સાહભેર પ્રારંભ થયો હતો. આ અંતર્ગત ઘોઘા તાલુકાના કુડા ગામની પ્રાથમિક શાળામાં મત્સ્યોદ્યોગ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો.

કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે આંગણવાડી તથા બાળવાટિકામાં પ્રવેશ મેળવનાર બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ બાળવાટિકામાં પ્રવેશ મેળવનાર 36 ભૂલકાઓને રમકડાંની કિટ અર્પણ કરી હતી તેમજ ધોરણ-1 માં પ્રવેશ મેળવનાર 38 વિદ્યાર્થીઓનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરી તેમના શૈક્ષણિક જીવનની શુભ શરૂઆત કરાવી હતી.

આ પ્રસંગે માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી સેક્રેટરી રવિ જોષીએ જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવ માત્ર બાળકોના પ્રવેશનો કાર્યક્રમ નથી, પરંતુ રાજ્ય સરકારની દરેક બાળક સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવાની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. તેમણે દીકરીઓના શિક્ષણના મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું કે શિક્ષિત દીકરી સમાજ અને પરિવારના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. આજના સમયમાં દીકરીઓ વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહી છે, જે સમગ્ર સમાજ માટે ગૌરવની બાબત છે.

ગુજરાત યુવા કોળી સેનાના પ્રમુખ દિવ્યેશ સોલંકીએ જણાવ્યું હતું કે બાળકો જ દેશનું ભવિષ્ય છે અને તેમના સર્વાંગી વિકાસ માટે વાલીઓ તથા શિક્ષકોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે વાલીઓને બાળકોને નિયમિત શાળાએ મોકલવા અને તેમના શિક્ષણમાં સક્રિય રસ લેવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમ દરમિયાન ગત વર્ષે ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવોએ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande