

વડોદરા , 23 જૂન (હિ.સ.)
વડોદરા:શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ કોઠીવાળું ફળિયામાં (કોઠી ફળિયા) સામાન્ય પાર્કિંગની બાબતે પાડોશીઓ અને સ્થાનિક જૂથો વચ્ચે વિવાદ ઉગ્ર બનતા મામલો હિંસક મારામારી અને પથ્થરમારા સુધી પહોંચ્યો છે. આ હુમલામાં એક જ પરિવારના સભ્યોને નિશાન બનાવવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.
પથ્થરમારામાં ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્તપ્રાપ્ત વિગતો અનુસાર, પાર્કિંગની આડેધડ વ્યવસ્થા સામે વિરોધ નોંધાવતા કેટલાક અસામાજિક તત્વો અને ઈસમોએ ઉશ્કેરાઈને એક પરિવાર પર ભારે પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ ઘાતક હુમલાની ઘટનામાં બે મહિલાઓ અને એક પુરુષને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ પથ્થરમારા દરમિયાન ઘરમાં હાજર એક 1 વર્ષનું માસૂમ બાળક પણ પથ્થરોની ઝપેટમાં આવતા માંડ-માંડ બચી ગયું હતું. આ ઘટનાને પગલે ભોગ બનનાર પરિવાર ભારે ભય અને દહેશતના માહોલમાં જીવી રહ્યો છે.રહેણાંક વિસ્તારમાં ચાલતું સર્વિસ સ્ટેશન વિવાદનું મુખ્ય કારણસ્થાનિકોના જણાવ્યા મુજબ, સમગ્ર વિવાદના મૂળમાં રહેણાંક વિસ્તારની વચ્ચે ગેરકાયદેસર કે આડેધડ ચાલતું એક વ્હિકલ સર્વિસ સ્ટેશન છે.
સર્વિસ સ્ટેશનના કારણે ફળિયાના સાંકડા રસ્તાઓ પર વાહનોનું આડેધડ પાર્કિંગ કરવામાં આવે છે, જેના લીધે રોજબરોજ અવરજવર કરતા સ્થાનિક રહીશોને મોટી હાલાકીનો સામનો કરવો પડે છે. અગાઉ પણ આ મુદ્દે અનેકવાર સામાન્ય બોલાચાલી થઈ ચૂકી હતી, જેણે ગઈકાલે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.પોલીસની કામગીરી સામે પરિવારના આક્ષેપો અને ધરપકડભોગ બનનાર પરિવારનો ગંભીર આક્ષેપ છે કે આ સમગ્ર વિવાદ અને હુમલા અંગે પોલીસને સમયસર જાણ કરવા છતાં, શરૂઆતમાં પોલીસ દ્વારા પૂરતી કે કડક કાર્યવાહી કરવામાં આવી ન હતી. જોકે, ઘટનાની ગંભીરતાને જોતા અટલાદરા પોલીસ સ્ટેશને બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તાજા અહેવાલો મુજબ, પોલીસે આ મામલે ત્વરિત એક્શન લઈને હુમલો કરનાર અને શાંતિ ડહોળનાર 10 થી વધુ આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી વધુ તપાસ શરૂ કરી છે. સ્થાનિકો હવે આ રહેણાંક વિસ્તારમાંથી સર્વિસ સ્ટેશન અને નડતરરૂપ પાર્કિંગ કાયમી ધોરણે હટાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ