
સુરત, 23 જૂન (હિ.સ.) કતારના રાસ લાફાન સ્થિત એલએનજી ગેસ પ્લાન્ટમાં થયેલી દુર્ઘટના બાદ સુરતનો યુવક સની ચંપકભાઈ પટેલ છેલ્લા 24 કલાકથી વધુ સમયથી લાપતા હોવાની માહિતી સામે આવી છે. ઘટનાના પગલે પરિવારજનોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે.
મળતી માહિતી મુજબ, સની પટેલ કતારમાં એક કંપનીમાં મિકેનિકલ ફિટર તરીકે ફરજ બજાવે છે. દુર્ઘટના સમયે તે નાઇટ શિફ્ટમાં ડ્યુટી પર હાજર હતો. ઘટના બાદથી તેનો પરિવાર સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી અને તેનો મોબાઇલ ફોન પણ બંધ આવી રહ્યો છે.
પરિવારના જણાવ્યા અનુસાર, સની રોજ નોકરી પર જતાં પહેલાં અને પરત ફર્યા બાદ પત્ની સાથે ફોન પર વાત કરતો હતો. દુર્ઘટનાના દિવસે પણ તેણે પત્નીને ફોન કરીને ડ્યુટી પર જવાની જાણ કરી હતી. જોકે ત્યારબાદ તેનો કોઈ સંપર્ક થયો નથી.
સનીનો મોટો ભાઈ રવિ પટેલ પણ કતારમાં જ નોકરી કરે છે. ઘટનાની જાણ થતાં જ તેણે ભારતીય દૂતાવાસ, સ્થાનિક હોસ્પિટલો અને સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરીને સનીની શોધખોળ શરૂ કરી હતી. જોકે હજુ સુધી સની અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી.
સનીના કાકા અનિલ ખાટાએ જણાવ્યું હતું કે પરિવારને ઘટનાની જાણ થતાં જ ચિંતા વધી ગઈ છે. તેમણે ભારત સરકાર અને ભારતીય દૂતાવાસને સનીને શોધવામાં મદદ કરવા અપીલ કરી છે.
પ્રાથમિક માહિતી મુજબ, સની જે ટીમમાં કામ કરતો હતો તેમાં દક્ષિણ ગુજરાતના નવસારીના બે યુવકો અને દમણનો એક યુવક પણ સામેલ હતો. આ તમામની સ્થિતિ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.ઉલ્લેખનીય છે કે કતારના ઊર્જા મંત્રાલયના જણાવ્યા અનુસાર આ એક ટેકનિકલ દુર્ઘટના હતી. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. બીજી તરફ સુરતમાં સનીના પરિવારજનો તેની સલામત વાપસીની પ્રાર્થના કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે