
પાટણ, 23 જૂન (હિ.સ.) રાધનપુર તાલુકાના વડનગર ગામની પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મંત્રી સ્વરૂપજી ઠાકોર તથા વિવેકા મંડળના પ્રમુખ પરબત ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ધોરણ-1માં પ્રવેશ મેળવનાર બાળકોનું તિલક, ફૂલહાર અને શૈક્ષણિક કીટ આપી સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રી સ્વરૂપજી ઠાકોરે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. બાળકોમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધે તે માટે પ્રેરણાદાયી સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
પ્રવેશોત્સવ દરમિયાન મહાનુભાવોએ શિક્ષણનું મહત્વ સમજાવી દરેક બાળકને નિયમિત અભ્યાસ કરવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં ગામના આગેવાનો, વાલીઓ, શિક્ષકો, શાળા સ્ટાફ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવી અને દરેક બાળકને શાળા સાથે જોડવાનો મુખ્ય હેતુ સફળતાપૂર્વક સિદ્ધ થયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ