


વડોદરા, 23 જૂન (હિ.સ.) વડોદરાની જાણીતી કંપની ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ (GSFC) ના ગેટ પર આજે કર્મચારીઓ દ્વારા એક અત્યંત અનોખો અને આક્રોશપૂર્ણ વિરોધ પ્રદર્શન જોવાનો મળ્યો હતો. છેલ્લા ઘણા સમયથી પોતાના હક્કના પગાર માટે ભટકી રહેલા કર્મચારીઓએ વહીવટી તંત્ર અને કંપની સત્તાધીશોની આંખ ઉઘાડવા માટે કંપનીના મુખ્ય ગેટને પુષ્પહાર પહેરાવ્યો હતો અને ત્યાં શ્રીફળ વધેરીને ન્યાય મેળવવા માટે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.
આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.મળતી માહિતી મુજબ, GSFC કંપનીના આશરે 88 જેટલા કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી પોતાના પગાર અને પડતર માંગણીઓ માટે દર-દર ભટકી રહ્યા છે. કર્મચારીઓમાં વહીવટી તંત્ર અને મેનેજમેન્ટ સામે ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે. આંદોલનકારી કર્મચારીઓનો આક્ષેપ છે કે, આ મામલે નામદાર કોર્ટ દ્વારા કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.
કોર્ટના આદેશ બાદ પણ તેમના પડતર પ્રશ્નો અને મુશ્કેલીઓ યથાવત જ રહી છે, જેના કારણે 88 કર્મચારીઓ અને તેમના પરિવારો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે.કર્મચારીઓએ તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો તેમની પડતર માંગણીઓનો વહેલી તકે ઉકેલ લાવવામાં નહીં આવે, તો તેઓ આગામી સમયમાં યોજાનારા પ્રતિષ્ઠિત 'વાઇબ્રન્ટ ગુજરાત' ગ્લોબલ સમિટના બહિષ્કારની ચીમકી ઉચ્ચારે છે.કર્મચારીઓની વ્હારે હવે રાજકીય અગ્રણીઓ પણ આવ્યા છે. આ લડતમાં સ્થાનિક ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સત્તાવાર રીતે મેદાને ઉતર્યા છે.
ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના અંગત ગણાતા વિરેન્દ્રસિંહ આજે વિરોધ પ્રદર્શનના સ્થળે પહોંચ્યા હતા અને કર્મચારીઓની પડખે ઉભા રહીને તેમને પૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું. ધારાસભ્યના જૂથે ખાતરી આપી છે કે જ્યાં સુધી આ ગરીબ અને મધ્યમવર્ગીય કર્મચારીઓને તેમનો હક્ક અને રોકાયેલો પગાર નહીં મળે, ત્યાં સુધી તંત્ર સામે ન્યાયની આ લડત ચાલુ રહેશે. હવે જોવાનું એ રહેશે કે કોર્ટના ચુકાદા અને ધારાસભ્યની એન્ટ્રી બાદ GSFC તંત્ર જાગે છે કે કર્મચારીઓને હજુ વધુ આકરા આંદોલન તરફ વળવું પડશે.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ